News of Thursday, 15th October 2026
અંકિતા ભંડારી કેસમાં રાજકીય સંગ્રામ: દુષ્યંત ગૌતમને રાજ્યપાલ બનાવતા રાહુલ ગાંધીનો રાષ્ટ્રપતિને વિસ્ફોટક પત્ર
રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને આ નિમણૂક તાત્કાલિક સ્થગિત કરવા અપીલ કરી : જ્યારે બીજી તરફ દિલ્હીથી લઈને દેહરાદૂન સુધી કોંગ્રેસે રસ્તા પર ઉતરીને ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું

નવી દિલ્હી: ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં 'વીઆઈપી' કનેક્શનનો મુદ્દો ફરી એકવાર સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપના વરિષ્ઠ નેતા દુષ્યંત ગૌતમને સિક્કિમના નવા રાજ્યપાલ બનાવવામાં આવતાં જ પીડિત પરિવાર અને વિપક્ષ આક્રમક મોડમાં આવી ગયા છે. બુધવારે રાત્રે ઈન્ડિયા ગેટ પર શાંતિપૂર્ણ ધરણાવિરોધ કરી રહેલા અંકિતાના માતા-પિતાને દિલ્હી પોલીસે વહેલી સવારે ૪ વાગ્યે કસ્ટડીમાં લેતાં વિવાદ વધુ વકર્યો હતો. આ ઘટના પર તીખી પ્રતિક્રિયા આપતાં રાહુલ ગાંધીએ સરકાર પર ન્યાય માગતા પીડિત પરિવારનો અવાજ દબાવવાનો અને મોડી રાત્રે તેમનું 'અપહરણ' કરવાનો આકરો આરોપ લગાવ્યો હતો.
આ વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર પાઠવીને દુષ્યંત ગૌતમની રાજભવનમાં નિમણૂક સામે સખત વિરોધ નોંધાવ્યો છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે ૧૯ વર્ષની અંકિતાએ પોતાના સ્વાભિમાન સાથે સમાધાન ન કરતાં તેની ક્રૂર હત્યા કરી દેવામાં આવી હતી. અંકિતાના માતા-પિતા અને જનતાને શંકા છે કે આ કેસમાં જે રહસ્યમય 'વીઆઈપી'નું નામ સામે આવી રહ્યું છે તે દુષ્યંત ગૌતમ હોઈ શકે છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે બંધારણીય હોદ્દો સંભાળ્યા બાદ રાજ્યપાલ સામે કોઈ પણ ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી. તેથી સીબીઆઈ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ નિમણૂક પર તાત્કાલિક રોક લગાવવામાં આવે જેથી પીડિત પરિવારનો ન્યાય પરનો વિશ્વાસ જળવાઈ રહે.
બીજી તરફ, આ મુદ્દે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં પણ કોંગ્રેસે મોરચો ખોલી દીધો છે. ઉત્તરાખંડ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગણેશ ગોડિયાલ, પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત અને હરક સિંહ રાવતની આગેવાની હેઠળ હજારો કાર્યકરોએ લોકભવનની બહાર વિરાટ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે ચીમકી આપી છે કે જ્યાં સુધી અંકિતા ભંડારીના પરિવારને ન્યાય નહીં મળે અને મુખ્ય કાવતરાખોર સુધી તપાસ નહીં પહોંચે ત્યાં સુધી આ આંદોલન સમગ્ર દેશમાં ચાલુ રહેશે. બીજી તરફ, દિલ્હીમાં અટકાયત કરાયેલા માતા-પિતાને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ આંદોલન વધુ તેજ બનાવશે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
