<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

PoK હિંસા: મુઝફ્ફરાબાદ માર્ચ પહેલા રેન્જર્સના ગોળીબારમાં 8 ના મોત

પાકિસ્તાન સામે પ્રચંડ જનઆક્રોશ: આર્થિક કટોકટી હવે રાજકીય અધિકારોની જંગમાં ફેરવાઈ

રાવલકોટ :  પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર માં પરિસ્થિતિ અત્યંત ગંભીર અને હિંસક વળાંક પર પહોંચી ગઈ છે. સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ ના નેતૃત્વમાં પ્રસ્તાવિત 'મુઝફ્ફરાબાદ માર્ચ' પહેલાં જ પાકિસ્તાની રેન્જર્સે આંદોલનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર અને ભારે ટીયર ગેસનો મારો ચલાવ્યો છે. રાવલકોટ બસ સ્ટેન્ડ અને સુધાનોટી સહિતના વિસ્તારોમાં થયેલી આ સૈન્ય કાર્યવાહીમાં મહિલાઓ સહિત ઓછામાં ઓછા 8 પ્રદર્શનકારીઓના સત્તાવાર મોત થયા છે અને ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

શરૂઆતમાં આ આંદોલન મોંઘી વીજળી, ઘઉંના વધતા ભાવો અને લોટની અછત જેવા આર્થિક મુદ્દાઓ પર કેન્દ્રિત હતું, પરંતુ પાકિસ્તાન સરકારના અત્યાચારે તેને હવે સ્વતંત્રતા અને રાજકીય અધિકારોની વ્યાપક ઝુંબેશમાં ફેરવી દીધું છે. રાવલકોટના ઈદગાહ મેદાનમાં યોજાયેલી ઐતિહાસિક રેલીમાં નેતાઓએ જાહેરમાં "PoK એ પાકિસ્તાનનો ભાગ નથી" તેવી ગર્જના કરીને ઇસ્લામાબાદ સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પાકિસ્તાને દાયકાઓથી આ પ્રદેશનું માત્ર આર્થિક શોષણ જ કર્યું છે.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાકિસ્તાની વહીવટીતંત્રે JAAC પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મૂકી દીધો છે અને મુખ્ય નેતાઓની ધરપકડ શરૂ કરી છે. સમગ્ર ક્ષેત્રમાં ઇન્ટરનેટ સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવી છે અને મુઝફ્ફરાબાદ તરફ જતા તમામ રસ્તાઓ પર સૈન્ય નાકાબંધી કરવામાં આવી છે. આ દમન છતાં, હજારો પ્રદર્શનકારીઓ પોતાની 38 મુદ્દાઓની માંગણીઓ સાથે પીછેહઠ કરવા તૈયાર નથી, જેના કારણે આગામી દિવસોમાં પાકિસ્તાન માટે કાશ્મીરના આ કબજા હેઠળના ભાગમાં મોટો રાજકીય મુકાબલો અને લોહીયાળ સંઘર્ષ સર્જાવાના સ્પષ્ટ સંકેતો છે.

(9:57 PM IST)