<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

PoK માં પાકિસ્તાન સામે આરપારની જંગ: "૩૮ માંગણીઓ પૂરી કરો, નહીંતર ઉખેડી ફેંકીશું!"

ઇસ્લામાબાદ સરકારને નું ૪૮ કલાકનું અલ્ટીમેટમ: મુઝફ્ફરાબાદ કૂચની જાહેરાત સાથે કાશ્મીરી શરણાર્થીઓની ૧૨ બેઠકો રદ કરવા અને સસ્તા લોટ-વીજળી માટે ભયંકર આક્રોશ

ઇસ્લામાબાદ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં દાયકાઓથી દબાયેલો જનઆક્રોશ હવે જ્વાળામુખી બનીને ફાટ્યો છે, જેના લીધે શાહબાઝ શરીફ સરકારના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. પ્રદેશના શક્તિશાળી સંગઠન 'જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટી' (JAAC) એ પાકિસ્તાન સરકારને તેમની ૩૮ કડક માંગણીઓ સ્વીકારવા માટે માત્ર ૪૮ કલાકનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. આગામી ૨૭ જુલાઈએ યોજાનારી પ્રાદેશિક ચૂંટણીઓ પહેલાં, ૯ જૂનથી શરૂ થનારા નામાંકન પ્રક્રિયાની સાથે જ પ્રદર્શનકારીઓએ રાજધાની મુઝફ્ફરાબાદ તરફ એક વિશાળ અને ઐતિહાસિક વિરોધ કૂચની જાહેરાત કરી દીધી છે, જેને તાજેતરના વર્ષોની સૌથી મોટી રાજકીય અને સૈન્ય લડાઈ માનવામાં આવી રહી છે.

આ ભયંકર વિવાદના કેન્દ્રમાં પાકિસ્તાનના જુદા જુદા ભાગોમાં સ્થાયી થયેલા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવેલી ૧૨ વિધાનસભા બેઠકો છે, જેને તાત્કાલિક રદ કરવાની માંગ ઉગ્ર બની છે. JAAC નો આરોપ છે કે ઇસ્લામાબાદના શાસકો આ ૧૨ કઠપૂતળી બેઠકોનો દુરુપયોગ કરીને PoK ના રાજકારણ અને જનતા પર પોતાનો ગેરકાયદેસર પ્રભાવ જાળવી રાખે છે. જોકે, આ વિવાદ વચ્ચે PoK ની સુપ્રીમ કોર્ટે ૭ જૂને ચુકાદો આપ્યો છે કે આ બેઠકો બંધારણીય રીતે સુરક્ષિત હોવાથી તેને સામાન્ય સરકારી આદેશથી નાબૂદ કરી શકાય નહીં, જેના માટે બંધારણીય સુધારાની જરૂર પડશે; આ ચુકાદાએ સળગતા સાયમાં ઘી હોમવાનું કામ કર્યું છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

રાજકીય કટોકટી ઉપરાંત, PoK ની જનતા અત્યારે ભયંકર મોંઘવારી, ભૂખમરો અને વીજળીની કટોકટી સામે મરણિયા પ્રયાસો કરી રહી છે. આંદોલનકારીઓની મુખ્ય માંગ છે કે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર ફરીથી વાટાઘાટો થાય અને તેમના જ વિસ્તારમાં પેદા થતી વીજળી તેમને સસ્તા દરે મળે, સાથે જ લોટ જેવી જીવનજરૂરી ચીજો પર સબસિડી વધારવામાં આવે. વૈજ્ઞાનિક જર્નલ 'નેચર' ના ૨૦૨૫ ના અહેવાલ મુજબ, આ પ્રદેશની અંદાજે ૫૭.૧ ટકા વસ્તી ખોરાકની ગંભીર અછતનો સામનો કરી રહી છે અને પર્વતીય વિસ્તારોમાં તો ૯૦ ટકા ઘરો ભૂખમરાની કગાર પર છે. કાગળ પર "આઝાદ કાશ્મીર" કહેવાતા આ પ્રદેશ પર વાસ્તવમાં પાકિસ્તાની આર્મી અને ઇસ્લામાબાદની કાશ્મીર કાઉન્સિલનો જ ક્રૂર સિકંજો છે, પરંતુ ૪૮ કલાકના આ અલ્ટીમેટમે પાકિસ્તાની શાસનની ઉંઘ હરામ કરી દીધી છે.

(7:16 PM IST)