તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 23rd May 2026
૧૯મા રોજગાર મેળામાં પીએમ મોદીએ ૫૧,૦૦૦ યુવાનોને સોંપ્યા નિયુક્તિ પત્રો
તેજસ્વી યુવાનોને સરકારી તંત્રનો હિસ્સો બનાવી ભારતના ભવિષ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો હુંકાર કર્યો

નવી દિલ્હી, તા.૨૩: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના ૪૭ સ્થળોએ આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા એક ભાવુક અને પ્રેરણાદાયી વાત કહી કે, હવે ભારતની જવાબદારી તમારી છે. આ માત્ર નોકરીની શરૂઆત નથી, પરંતુ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પની એક મજબૂત કડી છે. રેલ્વે, બેંકિંગ, સંરક્ષણ અને શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રોમાં જોડાઈ રહેલા આ યુવાનોને પીએમ મોદીએ યાદ અપાવ્યું કે વિશ્વ આજે ભારતની તકનીકી પ્રગતિ અને યુવા પ્રતિભા જોઈને દંગ છે. તાજેતરના પાંચ દેશોના પ્રવાસનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે ગ્લોબલ કંપનીઓના સીઈઓ પણ ભારતના યુવાનો સાથે ભાગીદારી કરવા આતુર છે.
સરકારી આંકડાઓ મુજબ, અત્યાર સુધીમાં ૧૮ રોજગાર મેળાઓ દ્વારા અંદાજે ૧.૨ મિલિયન યુવાનોને રોજગારીના અવસરો પ્રાપ્ત થયા છે, જે દર્શાવે છે કે સરકાર ભરતી પ્રક્રિયાને મિશન મોડમાં ચલાવી રહી છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે માત્ર પરંપરાગત નોકરીઓ જ નહીં, પણ ડિજિટલ ઇન્ડિયા, એનિમેશન અને ગ્રીન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં ભારત હવે વૈશ્વિક હબ બની રહ્યું છે. સ્વીડન, નોર્વે અને ઇટાલી જેવા દેશો સાથેના કરારોથી ભવિષ્યમાં ભારતીય એન્જિનિયરો અને કુશળ કામદારો માટે વિદેશોમાં પણ નવી તકોના દ્વાર ખુલશે, જે ભારતની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જશે.
આ કાર્યક્રમમાં મહિલાઓની વધતી ભાગીદારી અને સ્ટાર્ટઅપ સંસ્કળતિ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ હોવાને કારણે આપણી પાસે જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, તે જ આપણને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં લાવશે. ગ્રીન હાઇડ્રોજનથી લઈને શિપ બિલ્ડિંગ સુધીના ક્ષેત્રોમાં થઈ રહેલા નવા રોકાણો આવનારી પેઢી માટે સુરક્ષિત ભવિષ્યની ગેરંટી છે. કાર્યક્રમના અંતે, પસંદ થયેલા ઉમેદવારો અને તેમના પરિવારોને અભિનંદન આપતા તેમણે આહવાન કર્યું કે દરેક સરકારી કર્મચારીએ પોતાની સેવાને માત્ર ફરજ નહીં પણ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય ગણવું જોઈએ.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
