<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

રાજ્યસભાના અપક્ષ સાંસદ તરીકે પરિમલભાઈ નથવાણીએ સતત ચોથી વખત વિધિવત લીધા શપથ : સંસદ ભવનમાં અધ્યક્ષ સી પી રાધાકૃષ્ણને લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ

પોતાની કર્મભૂમિ ઝારખંડનું પ્રતિનિધિત્વ કરવાની ત્રીજી તક મળવા બદલ એનડીએ નેતૃત્વ અને જનતાનો માન્યો આભાર : રાજ્યમાં મજબૂત ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને કૌશલ્ય વિકાસને વેગ આપવા સાંસદે વ્યક્ત કરી મક્કમ કટિબદ્ધતા

 

નવી દિલ્હી : રાજ્યસભાના પુનઃ ચૂંટાયેલા અપક્ષ સાંસદ પરિમલભાઈ નથવાણીએ સંસદ ભવનના રાજ્યસભા ચેમ્બરમાં વિધિવત રીતે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યસભાના અધ્યક્ષ સી પી રાધાકૃષ્ણને તેમને આ શપથ લેવડાવ્યા હતા.

આ ગૌરવપૂર્ણ ક્ષણ અંગે પરિમલભાઈએ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્યસભાના સાંસદ તરીકે ચોથી ટર્મ માટે અને પોતાની કર્મભૂમિ ઝારખંડનું પ્રતિનિધિત્વ કરવા માટે ત્રીજી વાર શપથ લેવા એ તેમના માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ જનાદેશ ઝારખંડ રાજ્યભરમાં મજબૂત ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય સેવાઓ અને કૌશલ્ય વિકાસ (સ્કિલ ડેવલપમેન્ટ)ને વેગ આપવા માટેની તેમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ સન્માન બદલ તેમણે એનડીએ (NDA) નેતૃત્વ અને ઝારખંડની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને પોતાના સંદેશના અંતમાં ‘જોહાર ઝારખંડ’ લખીને રાજ્યના લોકો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

(1:53 PM IST)