<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત થઈ રહેલી સ્થિતિથી પાકિસ્તાની સેના અને શાસકો ચિંતિત: અમેરિકાના ટોચના સંરક્ષણ નિષ્ણાત ક્રિસ્ટિના ફેયરનો સનસનાટીપૂર્ણ દાવો

​કાશ્મીર મુદ્દો તો માત્ર એક બહાનું છે, જો ભવિષ્યમાં આ વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જાય તો પણ પાકિસ્તાન ક્યારેય ભારત પ્રત્યેની પોતાની દુશ્મનાવટ અને નફરત બંધ નહીં કરે; નવી દિલ્હીના આર્થિક અને લશ્કરી વર્ચસ્વને રોકવું એ જ ઇસ્લામાબાદની રાજકીય અને સૈન્ય નીતિનો એકમાત્ર એજન્ડા

​વોશિંગ્ટન: ​આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન હંમેશા કાશ્મીર રાગ આલાપીને વૈશ્વિક સમુદાય સમક્ષ ભારત વિરોધી વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરતું આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાનો ધડાકો એક અમેરિકન વિશ્લેષકે કર્યો છે. અમેરિકાની પ્રતિષ્ઠિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાની અને દક્ષિણ એશિયાઈ મામલાના અગ્રણી નિષ્ણાત ડો. સી. ક્રિસ્ટિના ફેયરે એક જાહેર કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનની આ માનસિકતાનો પર્દાફાશ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પાકિસ્તાનની અસલી ચિંતા કે સમસ્યા કાશ્મીર નથી, પરંતુ વૈશ્વિક સ્તરે સતત વધી રહેલું ભારતનું કદ, આર્થિક તાકાત અને લશ્કરી પ્રભુત્વ છે.

​ડો. ક્રિસ્ટિના ફેયરે વૈશ્વિક રાજનીતિના સમીકરણો સમજાવતા એક પ્રશ્ન ઊભો કર્યો હતો કે, જો આવતીકાલે કાશ્મીરનો વિવાદ સંપૂર્ણપણે ઉકેલાઈ જાય, તો શું પાકિસ્તાન ભારતનો વિરોધ કરવાનું કે સરહદ પર છદ્મ યુદ્ધ ફેલાવવાનું બંધ કરી દેશે? આ સવાલનો જવાબ આપતા તેમણે સ્પષ્ટ ના પાડી હતી. તેમના મતે, પાકિસ્તાન વૈચારિક અને સૈન્ય સ્તરે ભારત પ્રત્યે ઊંડી નફરત ધરાવે છે. પાકિસ્તાની સેના અને ત્યાંની શાસન વ્યવસ્થાની એવી માનસિકતા છે કે દક્ષિણ એશિયામાં ભારતને સમકક્ષ જો કોઈ શક્તિ હોય તો તે માત્ર પાકિસ્તાન જ છે. આ જ કારણે ભારત એક વૈશ્વિક મહાસત્તા તરીકે ન ઉભરી આવે તે માટે પાકિસ્તાન પોતાની આખી સંરક્ષણ અને વિદેશ નીતિ માત્ર ભારત વિરોધ પર જ કેન્દ્રિત રાખે છે.

​પોતાના પુસ્તક 'ફાઈટિંગ ટુ ધ એન્ડ: ધ પાકિસ્તાન આર્મીઝ વે ઓફ વોર' નો ઉલ્લેખ કરતા અમેરિકન નિષ્ણાતે ઉમેર્યું કે, પાકિસ્તાન આ સંઘર્ષને માત્ર બે દેશો વચ્ચેની સીમા રેખાની લડાઈ તરીકે નથી જોતું, પરંતુ તેને વૈચારિક અને ધાર્મિક શ્રેષ્ઠતાની લડાઈ માને છે. આ જ કારણ છે કે પાકિસ્તાની આર્મી પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અને ભારતને આર્થિક રીતે નબળું પાડવા માટે સતત આતંકવાદ અને છદ્મ યુદ્ધનો આશરો લે છે. ઇતિહાસનો હવાલો આપતા તેમણે કહ્યું કે, વર્ષ ૧૯૭૧ના યુદ્ધમાં પોતાનો અડધો હિસ્સો (પૂર્વ પાકિસ્તાન/બાંગ્લાદેશ) ગુમાવી દીધા પછી પણ પાકિસ્તાની સેના પોતાના દેશના નાગરિકો સમક્ષ એવો જ દાવો કરે છે કે તેઓ ભારત સામે ક્યારેય યુદ્ધ હાર્યા નથી. આ પ્રકારની ભ્રમિત માનસિકતાના કારણે જ પાકિસ્તાન માટે ભારત સાથે શાંતિ સ્થાપવી અશક્ય બની ગઈ છે.

(8:41 PM IST)