<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

મુંબઈ એરપોર્ટ પર ૧૦ કલાક રોકાઈ પાકિસ્‍તાની મહિલાઃ ભારત વિશે કહી એવી વાત કે વીડિયો થઈ ગયો વાયરલ!

લંડનથી નેપાળ જઈ રહેલી આ મહિલાની ફલાઈટનું ટ્રાન્‍ઝિટ મુંબઈમાં હતું. શરૂઆતમાં તે ભારતમાં રોકાવા અંગે ડરી રહી હતી, પરંતુ તેને જે સન્‍માન મળ્‍યું તે જોઈને તે ખુશ થઈ ગઈ હતી

મુંબઈ,તા.૧૫: મુંબઈ એરપોર્ટ પર એક પાકિસ્‍તાની મહિલાને થયેલા અનુભવનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, લંડનથી નેપાળ જઈ રહેલી આ મહિલાની ફલાઈટનું ટ્રાન્‍ઝિટ મુંબઈમાં હતું. શરૂઆતમાં તે ભારતમાં રોકાવા અંગે ડરી રહી હતી, પરંતુ જ્‍યારે તે ભારત પહોંચી, ત્‍યારે તેને જે સન્‍માન મળ્‍યું તે તેની અપેક્ષા કરતા ઘણું અલગ અને સકારાત્‍મક હતું. જેને જોઈને તે ખુશ થઈ ગઈ હતી.

મહિલાએ ઇન્‍સ્‍ટાગ્રામ પર પોતાના વીડિયોમાં જણાવ્‍યું કે, તેની કનેક્‍ટિંગ ફલાઈટ મુંબઈથી હતી અને આ દરમિયાન તેના મનમાં સુરક્ષા અને કડક નિયમોને લઈને ખૂબ જ ગભરામણ હતી. પાકિસ્‍તાની પાસપોર્ટ હોવાને કારણે તેણે અગાઉથી સાવચેતીના ભાગરૂપે એક મહિના પહેલા જ ઇન્‍ડિગો એરલાઇન્‍સનો સંપર્ક કર્યો હતો. એરલાઇન્‍સ દ્વારા તેને ખાતરી આપવામાં આવી હતી કે તેને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડશે નહીં.

મુંબઈ એરપોર્ટ પર પહોંચ્‍યા પછી તેનો અનુભવ તેની અપેક્ષા કરતા સાવ અલગ હતો. તેણે જણાવ્‍યું કે ત્‍યાંનો સ્‍ટાફ અત્‍યંત વિનમ્ર અને મદદગાર હતો, ટ્રાન્‍ઝિટ દરમિયાન તેણે એરપોર્ટ પર ભોજન લીધું, થોડો આરામ કર્યો અને ઊંચાઈ પરથી મુંબઈ શહેરના સુંદર નજારાનો આનંદ પણ માણ્‍યો હતો. મહિલાએ ભાવુક થઈને ભારતની પ્રશંસા કરતા કહ્યું કે, તેને પોતે જ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે ભારતની ધરતી પર મુંબઈમાં આટલી સુરક્ષિત અને રિલેક્‍સ છે.

આ મહિલાનો વીડિયો અત્‍યાર સુધી લાખો વખત જોવામાં આવ્‍યો છે અને સોશિયલ મીડિયા પર લોકોનું ખૂબ ધ્‍યાન ખેંચી રહ્યો છે. વીડિયોના કોમેન્‍ટ સેક્‍શનમાં ભારતીય યુઝર્સ આ મહિલાના અનુભવ પર પ્રેમ અને સકારાત્‍મક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈએ લખ્‍યું કે આવા વાસ્‍તવિક અનુભવો જ લોકોની જૂની વિચારધારાને બદલે છે, તો કોઈએ તેને મુંબઈમાં આવકારતા પૂછ્‍યું કે શું તેણે મુંબઈના પ્રખ્‍યાત વડાપાઉંનો સ્‍વાદ લીધો? એક યુઝરે તેને ‘બહેન' કહીને હૃદયપૂર્વક આવકારી હતી, જે ભારતની અતિથિ દેવો ભવની પરંપરાને સાર્થક કરે છે

(10:06 AM IST)