News of Sunday, 19th April 2026
પાણી માટે પાકિસ્તાન પાંગળું: સિંધુ જળ સંધિમાં ભારતનો મોટો વળાંક, આબોહવા પરિવર્તનથી તરસ્યું મરશે પડોશી દેશ
એપ્રિલના આતંકવાદી હુમલા બાદ ભારતે સંધિ સ્થગિત કરતા ઈસ્લામાબાદમાં ફફડાટ, હિમનદીઓ પીગળતા ૨૪.૮% બરફ ઘટ્યો, ૩૦ કરોડ લોકોની જીવાદોરી ગણાતી નદીના પ્રવાહ પર ભારતનો સંકજો કસાતા કૃષિ અને ઊર્જા ક્ષેત્રે પાયમાલીનો ખતરો, ગ્લોબલ વોર્મિંગે પાકિસ્તાનની મુસીબતમાં કર્યો તોતિંગ વધારો

ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓથી ચાલી રહેલો જળ વિવાદ હવે એક નિર્ણાયક અને જોખમી વળાંક પર પહોંચ્યો છે. ગયા વર્ષે પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવીને 'સિંધુ જળ સંધિ'ને સ્થગિત કરી દીધી હતી, જેની સીધી અસર હવે પાકિસ્તાનના કૃષિ અને ઉર્જા ક્ષેત્ર પર દેખાવા લાગી છે. ૩૦૦ મિલિયન લોકો માટે અસ્તિત્વનો આધાર ગણાતી સિંધુ નદીના પાણી પર ભારતનો સંકજો કસાતા, પાકિસ્તાન માટે આગામી ઉનાળો વિનાશક સાબિત થઈ શકે તેવી ભીતિ નિષ્ણાતો સેવી રહ્યા છે.
પર્યાવરણીય વિશ્લેષકોના મતે, માત્ર રાજકીય તણાવ જ નહીં પણ કુદરત પણ આ વખતે પાકિસ્તાનની વિરુદ્ધ હોય તેવું જણાય છે. ચેથમ હાઉસના અહેવાલ મુજબ, સિંધુ બેસિનમાં હિમનદીઓ પીગળવાનો દર વિશ્વમાં સૌથી વધુ છે અને છેલ્લા બે દાયકામાં બરફનું પ્રમાણ ૨૪.૮ ટકા જેટલું ઘટી ગયું છે. આ ભૌગોલિક ફેરફારોને કારણે પાણીની ઉપલબ્ધતા અનિશ્ચિત બની છે. ભારત જો ઉનાળાના પિક ટાઈમમાં પાણીનો પ્રવાહ ઘટાડવાનો નિર્ણય લે, તો પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં ખેતીલાયક જમીન રણમાં ફેરવાઈ શકે છે.
વધતા જતા અવિશ્વાસને કારણે ૧૯૬૦ની ઐતિહાસિક સંધિનું અસ્તિત્વ હવે જોખમમાં છે. આંતરરાષ્ટ્રીય સમુદાય માને છે કે જો બંને દેશો 'બેકડોર ડિપ્લોમસી' દ્વારા આબોહવા પરિવર્તનના મુદ્દાને સાથે મળીને નહીં ઉકેલે, તો પાણીની આ લડાઈ પ્રાદેશિક અસ્થિરતામાં પરિણમી શકે છે. સંસાધનો પરનું દબાણ સતત વધી રહ્યું છે અને વિશ્વાસ ઘટતો જાય છે, ત્યારે જળ સંધિના માળખાને ફરી સક્રિય કરવું એ જ શાંતિ સ્થાપવાનો એકમાત્ર માર્ગ હોવાનું નિષ્ણાતો ભારપૂર્વક જણાવી રહ્યા છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
