<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

યુપીના રાજકારણમાં ઓપી રાજભરનો પરમાણુ બૉમ્બ: "જો ખાણકામ અને રિવર ફ્રન્ટ કૌભાંડના ગુનેગારોના નામ આપીશ તો ભૂકંપ આવી જશે" : આખું ઉત્તર પ્રદેશ જાણે છે કે ભ્રષ્ટ લાલ ટોપીવાળાઓનો અસલી આકા કોણ છે

અખિલેશ યાદવે પલટવાર કરી બેઠકોની વહેંચણી મુદ્દે ટોણો માર્યો : સપામાં ભયંકર ભંગાણનો દાવો

લખનૌ:  ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો ક્યારેય શાંત થતો નથી, પરંતુ આ વખતે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાષપા) ના વડા અને યોગી સરકારના કેબિનેટ મંત્રી ઓપી રાજભરે સમાજવાદી પાર્ટી (સપા) ના સુપ્રિમો અખિલેશ યાદવ પર એવો તીખો પ્રહાર કર્યો છે જેણે લખનૌથી લઈને દિલ્હી સુધી હલચલ મચાવી દીધી છે. રાજભરે ખુલ્લી ચેતવણી આપતા અખિલેશ યાદવને લલકાર્યા છે કે, "મેં તો હજુ માત્ર રામ ગોપાલ યાદવના પત્રનો જ ઉલ્લેખ કર્યો છે. જો હું ખાણકામ કૌભાંડ અને ગોમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ કૌભાંડના અસલી ગુનેગારોના નામ જાહેર કરી દઈશ, તો આખા યુપીના રાજકારણમાં એવો ભૂકંપ આવશે કે સપા નેતાઓ માટે બચવું મુશ્કેલ થઈ જશે." રાજભરે દાવો કર્યો છે કે આખું ઉત્તર પ્રદેશ સારી રીતે જાણે છે કે લાલ ટોપી પહેરીને ફરતા આ ભ્રષ્ટાચારીઓનો અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે અને રામ ગોપાલ યાદવ પત્રો લખીને કોને બચાવવાના ધમપછાડા કરી રહ્યા છે.
આ આક્ષેપોની સાથે જ ઓપી રાજભરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સળગતી પોસ્ટ મૂકીને સપામાં બહુ મોટા ભંગાણની ભવિષ્યવાણી કરી છે. તેમણે દાવો કર્યો છે કે સપાના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગુપ્ત પત્ર સોંપ્યો છે, કારણ કે આ જુના કૌભાંડોમાં કાયદાનો ગાળિયો હવે અખિલેશ પરિવાર અને તેમના નજીકના લોકોની આસપાસ વધુ કડક થઈ રહ્યો છે. રાજભરે મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસમાં થયેલા ભયંકર રાજકીય વિભાજનનો હવાલો આપતા કહ્યું કે, "બંગાળ અને મહારાષ્ટ્રને તો ભૂલી જાઓ, હવે યુપીનો વારો છે અને આખી સમાજવાદી પાર્ટી ભાજપ સાથે ભળી જવા માટે અંદરખાને લાઈન લગાવીને ઊભી છે."

બીજી તરફ, અખિલેશ યાદવે પણ ઓપી રાજભરના આ દાવાઓ પર પલટવાર કરવામાં મોડું કર્યું નથી. અખિલેશે રાજભરનું નામ લીધા વિના X પર કટાક્ષ કરતા લખ્યું કે, જે લોકો બીજાના પક્ષના ભવિષ્યની આગાહીઓ કરી રહ્યા છે, તેમણે પહેલા પોતાની ચિંતા કરવી જોઈએ કે આગામી ચૂંટણીમાં ભાજપ તેમને ૭૫ બેઠકો આપશે, ૫૦ આપશે કે પછી માત્ર ઠાલા આશ્વાસનો આપીને રવાના કરી દેશે. અખિલેશે ગંભીર આક્ષેપ કર્યો કે ભાજપ ગઠબંધનમાં ટિકિટ અપાવવાની અફવાઓ ફેલાવીને જેમણે અગાઉથી એડવાન્સ પૈસા ઉઘરાવી લીધા છે, તે લોકો હવે ગભરાઈને આવા નિવેદનો આપી રહ્યા છે. જો કે, દેશભરમાં જે રીતે પ્રાદેશિક પક્ષો એકપછી એક તૂટી રહ્યા છે, તે જોતા યુપીમાં સપાની આ અંદરોઅંદરની લડાઈ આખા દેશ માટે એક હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બની ગઈ છે.

(10:13 PM IST)