<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

કસ્ટમ અને બેંકો વચ્ચે ચાલી રહેલા ટેક્સના વિવાદનો સુખદ અંત આવતા એક મહિનાથી અટકેલી સોનાની આયાત ફરી ધમધમી!

બજારમાં ચમક પાછી આવશે: બેંકોએ 3 ટકા IGST ભરીને સોના-ચાંદીના ક્લિયરન્સ શરૂ કર્યા - ટ્રેડ ડેફિસિટ વધવાની ભીતિ વચ્ચે એશિયાની નબળી કરન્સી બનેલા રૂપિયા પર દબાણ વધવાની શક્યતા

મુંબઈ: ભારતમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સોના અને ચાંદીની આયાત પર લાગેલો બ્રેક આખરે હટી ગયો છે. કસ્ટમ અને બેંકો વચ્ચે ચાલી રહેલા ટેક્સ વિવાદનો ઉકેલ આવતા હવે દેશમાં ફરીથી સોનાના શિપમેન્ટ આવવા લાગ્યા છે. બેંકોએ છેવટે 3 ટકા IGST (ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ચૂકવવાની તૈયારી બતાવતા કસ્ટમ વિભાગે અટકેલા જથ્થાને મંજૂરી આપવાનું શરૂ કર્યું છે.

શું હતો સમગ્ર વિવાદ?

1લી એપ્રિલ 2026થી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષમાં કસ્ટમ અધિકારીઓએ સોનાની આયાત પર 3 ટકા IGSTની માંગણી કરી હતી. વર્ષ 2017થી બેંકોને આ ટેક્સમાંથી મુક્તિ મળતી હતી, પરંતુ આ વર્ષે સરકાર તરફથી કોઈ નવો છૂટછાટનો આદેશ જારી ન થતા બેંકો મૂંઝવણમાં હતી. ટેક્સમાં રાહ મળશે તેવી આશાએ બેંકોએ એપ્રિલ મહિનાની શરૂઆતથી જ સોના-ચાંદીના શિપમેન્ટ અટકાવી રાખ્યા હતા. હવે જ્યારે સ્પષ્ટતા થઈ ગઈ છે, ત્યારે ફરીથી આયાત પ્રક્રિયા તેજ બની છે.

રૂપિયા અને વ્યાપારી ખાધ પર અસર

સોનાની આયાત શરૂ થવી એ જ્વેલરી ઉદ્યોગ માટે સારા સમાચાર છે, પરંતુ અર્થતંત્ર માટે તે પડકારજનક સાબિત થઈ શકે છે. ભારત વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો સોનાનો આયાતકાર છે. જ્યારે મોટા પાયે સોનું આયાત કરવામાં આવે છે, ત્યારે વિદેશી હૂંડિયામણ બહાર જાય છે, જેનાથી દેશની 'ટ્રેડ ડેફિસિટ' (વ્યાપારી ખાધ) વધે છે. હાલમાં ભારતીય રૂપિયો એશિયાની નબળી કરન્સીમાં ગણાઈ રહ્યો છે, ત્યારે સોનાની આયાત વધવાથી રૂપિયા પર વધુ દબાણ સર્જાઈ શકે છે.

સરકારની સાવચેતી

ચીન પછી ભારત સોનાની માંગમાં વિશ્વમાં મોખરે છે. લોકોમાં સોના પ્રત્યેના લગાવને કારણે સરકાર માટે આયાત પર અંકુશ રાખવો મુશ્કેલ બને છે. તે છતાં, વિદેશી હૂંડિયામણ બચાવવા માટે સરકાર ગોલ્ડ ઇમ્પોર્ટને લઈને ખૂબ જ સાવચેતીભર્યા પગલાં લઈ રહી છે. બેંકો દ્વારા ટેક્સ ભરીને આયાત શરૂ કરવાના નિર્ણયથી આગામી સમયમાં જ્વેલરી બજારમાં સોનાની ઉપલબ્ધતા વધશે અને લગ્નસરાની સિઝનમાં ગ્રાહકોને રાહત મળી શકે છે.

 

(8:17 PM IST)