News of Friday, 8th May 2026
મહાકાળી માતાજીના ૧૭ મા પાટોત્સવ પ્રસંગે સદગુરુ દયાનંદગીરીજી બાપુની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહાયજ્ઞ
શ્રદ્ધા-ભક્તિના દિવ્ય પ્રકાશથી ઝળહળશે ચરાડવા : કાલથી પૂ. અમરગીરીજી બાપુના સાનિધ્યમાં યજ્ઞ, અખંડ ધૂન, નગરયાત્રા અને ઈનોવા અર્પણના પાવન આયોજનોઃ વિજય મુહૂર્તમાં મૂર્તિ પ્રતિષ્ઠા બાદ પ્રિતીબેન વાજા-મિલનભાઈ પટેલની સંતવાણીથી ગુંજશે આશ્રમ પરિસર

રાજકોટ, તા.૮: જગત જનની શ્રી મહાકાળી માતાજીની અસીમ કળપાથી હળવદ તાલુકાના ચરાડવા ગામે દેવળીયા રોડ પર આવેલા શ્રી મહાકાળી આશ્રમ ખાતે આગામી તા.૯ મેથી ૧૩ મે ૨૦૨૬ દરમિયાન ભક્તિ અને આસ્થાનો અલૌકિક મહાસંગમ યોજાવા જઈ રહ્યો છે. આશ્રમમાં શ્રી મહાકાળી માતાજીનો ૧૭મો ભવ્ય પાટોત્સવ તથા આશ્રમના આદ્યસ્થાપક અનંત વિભૂષિત શ્રીમદ્ સદગુરુ પ.પૂ. સંત શ્રી દયાનંદગીરીજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થશે.
પૂ.મહંત શ્રી અમરગીરીજી બાપુના પાવન સાનિધ્યમાં વિક્રમ સંવત ૨૦૮૨, વૈશાખ વદ-૭ થી વૈશાખ વદ-૧૧ સુધી આ પંચદિવસીય મહોત્સવ ભક્તિભાવથી ઉજવાશે. તા.૯ મે, શનિવારે સવારે ૭ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશ્વ કલ્યાણ અર્થે મહાયજ્ઞનો શુભારંભ થશે અને આ જ દિવસથી તા.૧૩મી સુધી અખંડ ધૂન અવિરત ચાલુ રહેશે.
તા.૧૦ મેના રોજ માતાજીનો શળંગાર દર્શન-મહાઆરતી, ભજન-કીર્તન અને સંતો-મહંતોની ધર્મસભા યોજાશે. તા.૧૧ મેના રોજ રુદ્રાભિષેક, વિશેષ પૂજન-અર્ચન અને સત્સંગ ભજન સંધ્યા યોજાશે. તા. ૧૨ મે, મંગળવારે સવારે મહા સ્થાપના વિધિ બાદ સાંજે ૪ કલાકે પૂ.બાપુની દિવ્ય પાલખી સાથે ચરાડવા ગામમાં ડીજે, ઢોલ-નગારાં અને રાસ-ગરબા સાથે ભવ્ય નગરયાત્રા નીકળશે.
મુખ્ય દિવસ તા.૧૩ મે, બુધવારે સવારે અરણિ મંથનથી અગ્નિ પ્રગટાવી અગ્નિ પૂજન તથા ગ્રહશાંતિ વિધિ થશે. બપોરે ૧૨:૨૫ કલાકના વિજય મુહૂર્તમાં પૂ. દયાનંદગીરીજી બાપુની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ ૧૨:૩૦ કલાકે પૂ.ગુરૂજીને અતિપ્રિય એવી ઈનોવા ગાડીનું સ્થાપના-અર્પણ વિધિપૂર્વક થશે. સાંજે ૪ કલાકે મહા આરતી અને પૂર્ણાહુતિ બાદ રાત્રે ૯ કલાકે સંતવાણી આરાધક પ્રિતીબેન વાજા અને ભજનીક મિલનભાઈ પટેલ સાજીંદા ગ્રુપ સાથે ભવ્ય સંતવાણી પ્રસ્તુત કરશે.
પૂ.દયાનંદગીરીજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોવાથી સૌરાષ્ટ્રભરમાંથી હજારો સંતો-મહંતો અને ભાવિક ભક્તો ઉમટી પડશે. દરરોજ બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે.
પૂ.મહંત શ્રી અમરગીરીજી બાપુ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને આ પાવન અવસરે દર્શનનો લાભ લેવા તથા મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો. ૯૪૨૬૯ ૫૦૫૧૫ પર સંપર્ક કરવા વિનંતી છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
