<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

રૂપિયાના અવમૂલ્યનનો લાભ લેવા એનઆરઆઈ રોકાણકારો ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટ તરફ આકર્ષાયા : ભાડાની આવક અને વહીવટી સરળતા માટે લીઝબેક તથા મેનેજ્ડ હોમ્સના મોડેલને પહેલી પસંદગી બનાવી

ભાવનાત્મક જોડાણને બદલે હવે નફાકારકતા અને વ્યાવસાયિક સંચાલન પર એનઆરઆઈનું નવું ધ્યાન : ગોવા અને અલીબાગ જેવા પ્રીમિયમ વિસ્તારોમાં વૈભવી વિલાની માંગમાં વાર્ષિક ૨૦ ટકાનો મોટો ઉછાળો

મુંબઈ : લાંબા સમય સુધી વિદેશમાં વસતા બિન-નિવાસી ભારતીયો (NRI) માટે ભારતમાં ઘર ખરીદવું એ માત્ર એક ભાવનાત્મક નિર્ણય ગણાતો હતો. પોતાના વતન પ્રત્યેનું આકર્ષણ, માતા-પિતા માટે રહેવાની વ્યવસ્થા અથવા ભવિષ્યમાં ક્યારેક પરત ફરવાની ઈચ્છાથી આ મિલકતો ખરીદાતી હતી, પરંતુ ખરીદી કર્યા પછી તેની જાળવણી કે ભાડાની વ્યવસ્થા અંગે કોઈ ચોક્કસ આયોજન નહોતું થતું. જેના કારણે વિદેશમાં બેઠા બેઠા પ્રોપર્ટીનું સંચાલન કરવું ખૂબ મુશ્કેલ બનતું હતું. ભાડુઆત બદલાય ત્યારે થતી હેરાનગતિ, સમયસર મેન્ટેનન્સ ન થવું અને મકાન મહિનાઓ સુધી બંધ રહેવા જેવી સમસ્યાઓ સામાન્ય હતી. પરંતુ હવે આ ટ્રેન્ડમાં બહુ મોટો વ્યાવસાયિક બદલાવ આવ્યો છે.

એટમોસ્ફિયર લિવિંગના ગ્લોબલ સીઈઓ સંદીપ અહુજાના જણાવ્યા અનુસાર, એનઆરઆઈ રોકાણકારો હવે માત્ર ભાવનાત્મક રીતે જ નહીં પરંતુ અત્યંત વ્યવહારુ અને પરિણામલક્ષી બનીને ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યા છે. આ બદલાવ પાછળ વૈશ્વિક બજારમાં નબળો પડી રહેલો ભારતીય રૂપિયો મોટું કારણ છે. અમેરિકન ડોલર કે યુએઈ દિરહામ જેવા મજબૂત ચલણમાં કમાણી કરતા પ્રવાસીઓ માટે ભારતમાં રિયલ એસ્ટેટ ખરીદવું ચલણના તફાવતને કારણે ખૂબ સસ્તું અને આકર્ષક બની ગયું છે. જેએલએલ અને એનારોકના અંદાજ મુજબ, ભારતના મુખ્ય શહેરોના પ્રીમિયમ રહેણાંક બજારમાં એનઆરઆઈ હિસ્સો હવે વધીને ૧૫ થી ૨૦ ટકા જેટલો થઈ ગયો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને વર્ચ્યુઅલ સાઇટ વિઝિટની સુવિધાએ વિદેશથી ખરીદી પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે.

હાલમાં માર્કેટમાં એનઆરઆઈ ગ્રાહકોની બે પ્રકારની ચોક્કસ માંગ ઉભી થઈ રહી છે. પ્રથમ કેટેગરી શુદ્ધ રોકાણકારોની છે, જેમના માટે ‘લીઝબેક મોડેલ’ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ મોડેલમાં પ્રોપર્ટી ખરીદનારનો હેતુ વ્યક્તિગત વપરાશનો બિલકુલ હોતો નથી, પરંતુ તે માત્ર નાણાકીય વળતર માટે રોકાણ કરે છે. આ મિલકતનું સંચાલન, ભાડુઆતની શોધ અને સંપૂર્ણ જાળવણી ડેવલપર અથવા થર્ડ-પાર્ટી ઓપરેટર દ્વારા કરવામાં આવે છે. ભારતના મોટાભાગના શહેરોમાં સામાન્ય રહેણાંક ભાડાની આવક (રેન્ટલ યીલ્ડ) ૨ થી ૪ ટકા જેટલી મર્યાદિત હોય છે, પરંતુ આ સ્ટ્રક્ચર્ડ લીઝબેક મોડેલના કારણે રોકાણકારોને વહીવટી ઝંઝટ વિના સ્પષ્ટ અને વધુ સારું નાણાકીય વળતર મળી રહે છે.

બીજી તરફ, એવા બિન-નિવાસી ભારતીયો છે જેઓ ભારતમાં પોતાનું ઘર રાખવા માંગે છે જેથી જ્યારે પણ તેઓ ભારતની મુલાકાતે આવે ત્યારે પોતાના મકાનમાં રહી શકે, પરંતુ તેઓ વિદેશમાં રહીને મકાનની રોજબરોજની સાચવણીની ચિંતા કરવા માંગતા નથી. આવા ગ્રાહકો માટે ‘મેનેજ્ડ હોમ્સ’ નો નવો કોન્સેપ્ટ ખૂબ લોકપ્રિય બની રહ્યો છે. આ વ્યવસ્થા હેઠળ મિલકતની માલિકી એનઆરઆઈની જ રહે છે, પરંતુ જ્યારે તેઓ ભારતમાં ન હોય ત્યારે પ્રોફેશનલ એજન્સીઓ દ્વારા તે ઘરની સફાઈ, સુરક્ષા અને મેન્ટેનન્સ સંભાળવામાં આવે છે. કેટલાક કિસ્સામાં આ ઘરોને ટૂંકા ગાળા માટે પ્રવાસીઓને ભાડે આપીને વધારાની આવક પણ મેળવવામાં આવે છે. ભારતમાં વધતા જતા આંતરિક પ્રવાસન અને હોલીડે હોમ્સની માંગને કારણે આ મોડેલ ખૂબ સફળ રહ્યું છે.

આ નવો ટ્રેન્ડ ખાસ કરીને ગોવા અને મહારાષ્ટ્રના અલીબાગ જેવા પ્રીમિયમ સેકન્ડ-હોમ માર્કેટમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. અલ્ટ્રા-એચએનઆઈ (હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ) અને એનઆરઆઈ રોકાણકારોના કારણે વૈભવી સેકન્ડ હોમ માર્કેટ વાર્ષિક ૨૦ ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. એકલા ગોવામાં જ તાજેતરના સમયમાં ૧,૦૦૦ થી વધુ હાઈ-એન્ડ લક્ઝરી વિલાનું વેચાણ થયું છે. દક્ષિણ ગોવાના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં પ્રોપર્ટીની માંગમાં ૩૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. જો કે, આ મોડેલની સફળતા ઓપરેટરની વિશ્વસનીયતા, કરારની પારદર્શિતા અને સેવાની ગુણવત્તા પર નિર્ભર કરે છે. એકંદરે, એનઆરઆઈ રોકાણકારો હવે માત્ર માલિકી મેળવીને સંતોષ નથી માનતા, પરંતુ તેમની ગેરહાજરીમાં પણ સંપત્તિ કેવી રીતે સક્રિય રહે છે તેની પર વધુ ધ્યાન આપી રહ્યા છે.

(4:48 PM IST)