<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

હવે 6 વર્ષની સેવા પૂર્ણ કરનારા અગ્નિવીરોને સેનામાં કાયમી નોકરી અપાશે:4 વર્ષ બાદ 25 ટકા અગ્નિવીરોને નિયમિત સૈનિક બનાવાશે

4 વર્ષ બાદ 25 ટકા અગ્નિવીરોને નિયમિત સૈનિક બનાવાશે, જ્યારે બાકીના 75 ટકા અગ્નિવીરો 2 વર્ષ 'ટૂર ઓફ ડ્યુટી' પૂરી કર્યા બાદ કાયમી થશે:અગ્નિવીરો ઈચ્છે તો 4 કે 6 વર્ષની સેવા બાદ નિવૃત્તિ લઈ શકશે.

નવી દિલ્હી :ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એનએસ રાજા સુબ્રમણિએ સ્પષ્ટ કરી દીધું છે કે જે અગ્નિવીરોને 6 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે, તેમને સેવા પૂર્ણ થયા બાદ કાયમી નોકરી આપવામાં આવશે.એક કાર્યક્રમ 'નેશનલ સિક્યોરિટી સમિટ 3.0' માં જનરલ સુબ્રમણિએ ફરી એકવાર અગ્નિપથ યોજનામાં થયેલા ફેરફારો અંગે સંપૂર્ણ માહિતી શેર કરી હતી, અને જણાવ્યું હતું કે એ પહેલેથી જ નક્કી હતું કે અગ્નિવીરોના 4 વર્ષ પૂર્ણ થયા બાદ સમીક્ષા કરવામાં આવશે તથા જેમને 2 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવશે તેમને સેનામાં કાયમી થવાની તક મળશે.

 

CDS જનરલ એનએસ રાજા સુબ્રમણિએ જણાવ્યું હતું કે આ કોઈ રોલબેક નથી, કારણ કે જ્યારે 4 વર્ષ પહેલા અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે જ એવું કહેવામાં આવ્યું હતું કે સમય-સમય પર તેની સમીક્ષા કરવામાં આવશે અને તે કોઈ પથ્થરની લકીર નહોતી, પરંતુ તેમાં હંમેશા ફેરફારની શક્યતા રાખવામાં આવી હતી.

 

અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલી રાજકીય અને જાહેર ચર્ચા પર નિશાન સાધતા જનરલ સુબ્રમણિએ કહ્યું હતું કે જે લોકો આજે ભ્રમ ફેલાવી રહ્યા છે તેઓ પહેલા આ યોજનાનો જ વિરોધ કરી રહ્યા હતા, અને હવે તેઓ તેમાં કરવામાં આવેલા ફેરફારોનો પણ વિરોધ કરી રહ્યા છે, જ્યારે આ તમામ નિર્ણયો ખૂબ જ સમજી-વિચારીને લેવામાં આવ્યા છે.

 

જનરલ સુબ્રમણિએ પોતાના સંબોધનમાં 2 મહત્વપૂર્ણ બાબતો પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 4 વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ 25 ટકા અગ્નિવીરોને નિયમિત સૈનિકો તરીકે કાયમી ભરતી માટે પસંદ કરવાનું ચાલુ રાખવામાં આવશે, જ્યારે બાકીના જે 75 ટકા અગ્નિવીરો છે તેઓ 2 વર્ષ 'ટૂર ઓફ ડ્યુટી' કરશે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે 2 વર્ષની 'ટૂર ઓફ ડ્યુટી' પૂરી થયા બાદ આ તમામ અગ્નિવીરોને પણ રેગ્યુલર બનાવી દેવામાં આવશે અને તેમાં કોઈપણ પ્રકારની મૂંઝવણ નથી, સાથે જ CDS એ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે અગ્નિવીર પોતાની 4 કે 6 વર્ષની સેવા બાદ જો નિવૃત્તિ લેવા ઈચ્છે તો તેઓ લઈ શકે છે.

(11:12 PM IST)