તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Sunday, 27th September 2026
UPI ટ્રાન્ઝેક્શન પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જના વિરોધમાં 2 ઓક્ટોબરે 'No UPI Day' મનાવવાની તૈયારી: જાણો શું થશે ?
ગાંધી જયંતીના અવસરે રિટેલ વેપારીઓ સાંકેતિક રીતે યુપીઆઈ ક્યૂઆર કોડને કાળા કપડાથી ઢાંકશે અને યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવાનું ટાળશે

નવી દિલ્હી :UPI ટ્રાન્ઝેક્શન પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લગાવવાના વિરોધમાં દેશભરના મોબાઈલ ફોનના દુકાનદારો 2 ઓક્ટોબરે 'No UPI Day' મનાવવાની તૈયારી કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશન (AIMRA)ના ઉપાધ્યક્ષ તરવિંદર સિંહે કહ્યું કે, આ દિવસે UPIથી લેવડદેવડ કરવામાં આવશે નહીં. સરકારે 15 ઑક્ટોબરથી વેપારીઓ માટે 2,000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે, જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેના (પી2પી) ટ્રાન્ઝેક્શન અને નાના ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લાગશે નહીં.
2 ઑક્ટોબરે નો 'No UPI Day' કેમ મનાવવામાં આવશે? - તરવિંદર સિંહે કહ્યું કે, ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશન (AIMRA)એ UPI ટ્રાન્ઝેક્શન પર લાગુ 0.4 ટકા MDRને લઈને મોબાઇલના રિટેલ વેપારીઓની ચિંતાઓ વ્યક્ત કરવા માટે 2 ઑક્ટોબર 2026ના રોજ ‘નો યુપીઆઈ ડે’નું આહ્વાન કર્યું છે.
તેમણે જણાવ્યું કે, ગાંધી જયંતીના અવસરે રિટેલ વેપારીઓ સાંકેતિક રીતે યુપીઆઈ ક્યૂઆર કોડને કાળા કપડાથી ઢાંકશે અને યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવાનું ટાળશે. જોકે, એવું નથી કે તે દિવસે આખા દેશમાં યુપીઆઈ કામ જ નહીં કરે. ફક્ત જે દુકાનદારો આ આહ્વાનમાં જોડાશે, તે UPIથી પેમેન્ટ નહીં લે.
નાના દુકાનદારોને દર મહિને કેટલું નુકસાન થશે? - નાણાં મંત્રી નિર્મલા સીતારમણને ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશન (AIMRA) દ્વારા મોકલવામાં આવેલા એક પત્ર મુજબ, UPI પર MDR લાગુ કરવાથી દર મહિને યુપીઆઈ દ્વારા 5 લાખથી 30 લાખ રૂપિયાની લેવડદેવડ કરતા નાના વેપારીઓને સીધેસીધું મહિને 2,000થી 12,000 રૂપિયાનું ચોખ્ખું નુકસાન થશે. આથી તેમની ચોખ્ખી આવકનો મોટો હિસ્સો ખતમ થઈ જશે.
UPI પર ‘ઝીરો એમડીઆર’ની માંગ કેમ? - ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશનનો અંદાજ છે કે 0.4 ટકા એમડીઆરથી દેશભરના નાના મોબાઇલ રિટેલ વેપારીઓ પર દર મહિને આશરે 40 કરોડ રૂપિયા અને વાર્ષિક લગભગ 500 કરોડ રૂપિયાનો અસહ્ય બોજ પડશે. તરવિંદર સિંહે કહ્યું કે જો આપણે ડિજિટલ ઇન્ડિયા ઈચ્છીએ છીએ તો યુપીઆઈ પર એમડીઆર શૂન્ય જ રહેવું જોઈએ. આ યુપીઆઈ કે ડિજિટલ ઇન્ડિયાની સામે વિરોધ નથી. અમારી ચિંતા ફક્ત ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓ પર નાખવામાં આવી રહેલા વધારાના નાણાકીય બોજને લઈને છે. અમારી સ્પષ્ટ માંગ છે કે યુપીઆઈને ‘શૂન્ય એમડીઆર’ માળખા હેઠળ જ ચાલુ રાખવામાં આવે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
