News of Tuesday, 7th July 2026
ચીનની 'ડીપસીક'ના એક સમાચારે વૈશ્વિક શેરબજારો ધ્રુજાવ્યા: ટેક સેક્ટરમાં હાહાકાર વચ્ચે Nasdaq ફ્યુચર્સ કડાકાભેર તૂટ્યું; Nvidia અને સેમસંગના અબજો ડોલર સ્વાહા!
મોંઘી AI ચિપ્સના માર્કેટમાં એકહથ્થુ શાસન ભોગવતી કંપનીઓ સામે ચીને ફેંક્યો નવો પડકાર; રોકાણકારોમાં ગભરાટ ફેલાતાં જબરી વેચવાલી

ન્યૂયોર્ક : વૈશ્વિક શેરબજાર માટે મંગળવારનો દિવસ અત્યંત આંચકાજનક સાબિત થયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે અચાનક સામે આવેલા એક મોટા ન્યૂઝના કારણે દુનિયાભરના ચિપમેકિંગ અને ટેક સ્ટોક્સ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા છે. યુએસ માર્કેટ ખુલતા પહેલા જ ટેક-ઓરિએન્ટેડ નેસ્ડેક ફ્યુચર્સ (Nasdaq Futures) માં ૧% સુધીનો મોટો ઘટાડો નોંધાયો હતો, જ્યારે એસ એન્ડ પી ૫૦૦ (S&P 500) પણ ભારે દબાણ હેઠળ જોવા મળ્યું હતું. પ્રથમ નજરે સામાન્ય લાગતો આ ઘટાડો વાસ્તવમાં વૈશ્વિક ટેક ઈન્ડસ્ટ્રીના સમીકરણો બદલી નાખનારો સાબિત થઈ રહ્યો છે.
એશિયાથી શરૂ થયેલો ચિપ ક્રેશ યુએસ સુધી પહોંચ્યો
આ વૈશ્વિક વેચવાલીની શરૂઆત મંગળવારે સવારે એશિયન બજારોથી થઈ હતી. સાઉથ કોરિયાનો પ્રખ્યાત 'કોસ્પી' (Kospi) ઇન્ડેક્સ ટ્રેડિંગ દરમિયાન ૫% જેટલો ભયાનક તૂટ્યો હતો. બજારમાં ગભરાટ એટલો વધારે હતો કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે થોડા સમય માટે ટ્રેડિંગ રોકીને 'સર્કિટ બ્રેકર' લગાવવો પડ્યો હતો. બીજા ક્વાર્ટરમાં શાનદાર નફો કરવા છતાં દિગ્ગજ કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના શેરમાં જોરદાર કડાકો બોલાઈ ગયો. એશિયાની આ મંદી કલાકોની અંદર અમેરિકી બજાર સુધી પહોંચી ગઈ, જ્યાં માઇક્રોન ૫% તૂટ્યો, જ્યારે KLA, માર્વેલ ટેકનોલોજી, લેમ રિસર્ચ અને એપ્લાઇડ મટિરિયલ્સ જેવી જાયન્ટ કંપનીઓ ૪% થી વધુ ગગડી ગઈ હતી. માર્કેટ લીડર Nvidia, AMD, ક્વોલકોમ અને બ્રોડકોમ પણ લાલ નિશાનમાં ગરકાવ થઈ ગયા હતા.
અચાનક એવું તે શું થયું કે માર્કેટ ક્રેશ થઈ ગયું?
આ આખા હોબાળા પાછળ ચીનની વિવાદાસ્પદ અને લોકપ્રિય AI કંપની 'DeepSeek' નો એક સનસનાટીભર્યો અહેવાલ જવાબદાર છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ડીપસીક હવે ગુપ્ત રીતે પોતાની આગવી AI ચિપ વિકસાવવા પર કામ કરી રહી છે અને આ પ્રોજેક્ટ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે. આ ચિપ ખાસ કરીને 'ઇન્ફરન્સ' (પૂર્વ-પ્રશિક્ષિત AI મોડેલના કાર્યો) માટે ડિઝાઇન કરવામાં આવી રહી છે. જો ડીપસીક આમાં સફળ થાય છે, તો તે ભવિષ્યમાં ચિપ્સ માટે Nvidia કે સેમસંગ જેવી અમેરિકન અને વૈશ્વિક કંપનીઓ પર બિલકુલ નિર્ભર રહેશે નહીં.
રોકાણકારો કેમ ફફડી રહ્યા છે?
અત્યાર સુધી વિશ્વની તમામ મોટી ટેક કંપનીઓ અબજો ડોલર ખર્ચીને Nvidia પાસેથી મોંઘીદાટ AI ચિપ્સ ખરીદી રહી હતી, જેના કારણે આ સેક્ટરના શેરો રોકેટ ગતિએ ભાગી રહ્યા હતા. હવે જો મોટી AI કંપનીઓ પોતે જ પોતાની ચિપ્સ બનાવવાનું શરૂ કરી દેશે, તો આ દિગ્ગજોના વેચાણ અને નફા પર બ્રેક વાગી જશે, તેવા ડરે રોકાણકારો નફો બુક કરવા લાગ્યા છે. આ સિવાય યુએસ ગવર્મેન્ટના ૧૦ વર્ષના બોન્ડ યીલ્ડ વધીને ૪.૫૦% થવા અને આગામી ક્વાર્ટરના પરિણામો અંગે બજારની અપેક્ષાઓ ખૂબ ઊંચી હોવાથી પણ સેન્ટિમેન્ટ ખરડાયું છે. આજે મોડી સાંજે જાહેર થનારા યુએસ વેપાર ખાધના ડેટા અને એફઓએમસી (FOMC) ની બેઠકની વિગતો પર બજારની આગામી ચાલનો આધાર રહેશે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
