તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 24th October 2026
લખનૌના ચર્ચાસ્પદ શિવા મર્ડર કેસમાં નવો વળાંક: પોલીસ ક્રાઈમ સીન રિક્રિએટ કરી એકત્ર કરશે વૈજ્ઞાનિક પુરાવા
આરોપી મોડેલ શ્રદ્ધા દુબે અને તેના સાથીઓ દ્વારા હત્યાને આત્મહત્યા ગણાવવાનો દાવો; કેસની સચોટ તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટ્સની લેવાશે મદદ

લખનૌ:ઉત્તર પ્રદેશના લખનૌમાં ચર્ચાસ્પદ બનેલા બિઝનેસમેન શિવા હત્યાકાંડમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. આ હાઈપ્રોફાઈલ કેસ હવે 'હત્યા કે આત્મહત્યા'ની ઉલઝનમાં ફસાયો છે, જેને ઉકેલવા માટે પોલીસ હવે ક્રાઈમ સીનનું પુનઃનિર્માણ (Recreation) કરીને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવાની કવાયત હાથ ધરી રહી છે.
મૂળ ઘટના અનુસાર, ગત 10 ઓક્ટોબરના રોજ મૃતક શિવાજીની માતા રંજના શર્માએ મોડેલ શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મિ અને ડ્રાઈવર સહિતના અન્ય શખ્સો સામે બ્લેકમેઈલિંગ, ધમકી આપવા અને હત્યાનો ગંભીર આક્ષેપ લગાવતા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આ મામલે પોલીસે ગત ગુરુવારે હજરતગંજ કોતવાલી ખાતે ત્રણેય આરોપીઓની સાડા છ કલાક સુધી કડક પૂછપરછ કરી હતી. જોકે, પૂછપરછ દરમિયાન તમામ આરોપીઓનો એક જ સુર રહ્યો હતો કે શિવાએ કોઈ હત્યા નહીં પરંતુ આત્મહત્યા કરી હતી.
પોલીસે સત્તાવાર ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલી દીધા છે. પરંતુ મૃત્યુ પાછળનું સાચું રહસ્ય બહાર લાવવા માટે લખનૌ પોલીસે હવે કડક વૈજ્ઞાનિક તપાસનો માર્ગ અપનાવ્યો છે. આ હેતુસર વિધિ વિજ્ઞાન પ્રયોગશાળા (ફોર્નેસિક લેબ)ને પત્ર લખીને સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ક્રાઈમ સીન રિક્રિએશન અને વિશેષજ્ઞોની ઉપસ્થિતિ
મૃત્યુના સાચા કારણ સુધી પહોંચવા માટે પોલીસ ફોરેન્સિક અને મેડિકોલીગલ એક્સપર્ટ્સની ટીમની મદદથી ઘટનાસ્થળનું પુનઃનિર્માણ કરાવશે. આ દરમિયાન ડમી (પુતળા) અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઘટના કેવી રીતે ઘટી હશે તેની આખી પ્રક્રિયા ફરીથી ચકાસવામાં આવશે. ખાસ વાત એ છે કે આ રિક્રિએશન પ્રક્રિયા વખતે ફોરેન્સિક નિષ્ણાતોની સાથે પીડિત શિવાની માતા પણ ત્યાં હાજર રહેશે. આ પ્રક્રિયા બાદ તૈયાર થનાર નિષ્ણાતોનો રિપોર્ટ સીધો જ કેસ ડાયરીનો ભાગ બનાવવામાં આવશે.
અન્ય તપાસ અને સહાયકોની શોધખોળ
આ કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ અનેક શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે ફરારી દરમિયાન શ્રદ્ધા, તેની બહેન અને ડ્રાઈવરને આશ્રય આપીને કોણે-કોણે મદદ કરી હતી. પોલીસ આવા તમામ મદદગારોની ઓળખ કરીને તેમની ધરપકડ માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે.
સાથે જ, ફરારી દરમિયાન આરોપીઓ દ્વારા ફેંકી દેવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે સર્વેલન્સ ટીમ કામે લાગી છે. પોલીસનું માનવું છે કે આ મોબાઈલ ફોન રિકવર થવાથી હત્યાકાંડ અને અન્ય સહાયકો વિશેના ઘણા મહત્વપૂર્ણ રહસ્યો પરથી પડદો ઉંચકાઈ જશે. આ માટે પોલીસ આગામી દિવસોમાં ત્રણેય આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લઈને વધુ પૂછપરછ કરી શકે છે.
આ ઉપરાંત, શ્રદ્ધા અને તેની બહેનના બેંક ખાતાઓની વિગતો મેળવવા માટે બેંકોને પત્ર લખવામાં આવ્યા છે. અગાઉ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રહેલા 6 લાખ રૂપિયાનું ખાતું ફ્રીઝ કરી દેવાયું છે, જ્યારે અન્ય શંકાસ્પદ ખાતાઓની પણ બારીકાઈથી તપાસ ચાલી રહી છે. જે હોટલોએ ફરારી દરમિયાન કોઈપણ પ્રકારની આઈડી કે પછી ફર્જી આઈડીના આધારે આરોપીઓને રૂમ આપ્યા હતા, તે હોટલોની ઓળખ કરીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ, જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર આરોપી મોડેલ શ્રદ્ધા દુબે જેલના કડક નિયમો વચ્ચે સામાન્ય કેદીઓની જેમ જ જીવન વિતાવી રહી છે. તેને જેલ મેન્યુઅલ મુજબ ભોજન અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે અને તેની ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
