<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

IIT બોમ્બેના સાહિલ વાકોડે આત્મહત્યા કેસમાં નવો વળાંક: પરીક્ષામાં મોબાઈલથી ચોરી કરતા CCTV ફૂટેજ આવ્યા સામે, પ્રોફેસર સાથેનો વીડિયો વાયરલ

ChatGPT ના ઉપયોગનો દાવો અને ઇન્વિજિલેટર દ્વારા હોલમાંથી બહાર લઈ જવાનો ઘટનાક્રમ કેમેરામાં કેદ; ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા તેજ કરી

મુંબઈ, તા.૨૪: મુંબઈ સ્થિત દેશની પ્રતિષ્ઠિત આઈઆઈટી બોમ્બે (IIT Bombay) કેમ્પસમાં દલિત વિદ્યાર્થી સાહિલ વાકોડેના આત્મહત્યા કેસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને નવો વળાંક આવ્યો છે. પરીક્ષા હોલના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સાહિલ પરીક્ષા દરમિયાન હાથમાં મોબાઈલ ફોન રાખીને કથિત રીતે નકલ કરતો નજરે પડે છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ઇન્વિજિલેટર તરીકે ફરજ બજાવી રહેલા પ્રોફેસર સૂર્યનારાયણ ડુલા રાઉન્ડ દરમિયાન તેને મોબાઈલ સાથે જોઈ લે છે અને તેની ઉત્તરવહી (આન્સરશીટ) જપ્ત કરીને તેને પરીક્ષા હોલમાંથી બહાર લઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, ગત ૧૮ સપ્ટેમ્બરના રોજ એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલનો મૃતદેહ હોસ્ટેલના રૂમમાંથી ફાંસી લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો. આત્મહત્યાના થોડા કલાકો પહેલા જ તેના પર પરીક્ષા દરમિયાન મોબાઈલમાં AI ટૂલ Chat GPT નો ઉપયોગ કરીને ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. મૃતક સાહિલના પરિવારજનોએ પ્રોફેસર ડુલા પર જાતિ આધારિત ઉત્પીડન અને માનસિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જેના આધારે પ્રોફેસર સામે SC-ST એક્ટ અને આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઘટના બાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને પગલે મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી, જ્યારે IIT પ્રશાસને પ્રોફેસર ડુલાને ડીન સહિતની તમામ વહીવટી જવાબદારીઓમાંથી દૂર કર્યા છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હાલ પોલીસ ડિજિટલ પુરાવાઓ, સીસીટીવી ફૂટેજ તેમજ સાહિલના સાથી વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે ઘટનાની કડીઓ જોડી રહી છે.

(5:37 PM IST)