News of Wednesday, 17th June 2026
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો ભૂકંપ: 'ઓપરેશન ઘડી' શરદ પવારની ઊંઘ હરામ કરવા તૈયાર : પવાર ફેમિલી ટેન્શનમાં!
'ઓપરેશન ટાઈગર' બાદ હવે શરદ પવારના ગઢ સોલાપુરમાં ગાબડું પાડવાની અજીત પવાર જૂથની ગુપ્ત વ્યુહરચના : ૪ ધારાસભ્યો મહાયુતિના સંપર્કમાં હોવાના દાવાથી ખળભળાટ

મુંબઈ: મહારાષ્ટ્રના સિયાસી સંગ્રામમાં ક્યારે કયો પલટો આવી જાય તે કહેવું અશક્ય છે, અને હવે લોકસભા બાદ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી રાજ્યમાં વધુ એક મોટો રાજકીય ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. 'ઓપરેશન ટાઈગર'ની ચર્ચાઓ હજુ શમી નથી ત્યાં જ હવે 'ઓપરેશન ઘડી' સક્રિય બન્યું છે, જેણે મરાઠા રાજનીતિના ભીષ્મ પિતામહ ગણાતા શરદ પવારની ઊંઘ હરામ કરી દીધી છે. અજીત પવારની એનસીપી ના પ્રવક્તા ઉમેશ પાટીલે બુધવારે એક સળગતો દાવો કર્યો છે કે, સોલાપુર જિલ્લામાં શરદ પવારની પાર્ટી ના ચાર દિગ્ગજ ધારાસભ્યો સત્તાધારી 'મહાયુતિ' ગઠબંધનના સીધા સંપર્કમાં છે અને તેઓ ગમે ત્યારે પવારનો સાથ છોડીને શાસક પક્ષમાં જોડાઈ શકે છે. આ દાવાએ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ભારે સળવળાટ પેદા કરી દીધો છે.
આ સનસનાટીભર્યા અહેવાલ સામે આવતાની સાથે જ શરદ પવારની પાર્ટી તાત્કાલિક 'એલર્ટ મોડ' પર આવી ગઈ છે અને પોતાના પક્ષના નેતાઓ તેમજ સાંસદોને તૂટતા બચાવવા માટે કવાયત શરૂ કરી દીધી છે. ઉમેશ પાટીલે ખુલ્લેઆમ જે ધારાસભ્યોના નામ લીધા છે તેમાં માલશિરસના ઉત્તમ જાનકર, માધાના અભીજીત પાટીલ, કરમાલાના નારાયણ પાટીલ અને મોહોલના રાજુ ખરેનો સમાવેશ થાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચારેય ધારાસભ્યો મહાયુતિ સરકારના વિકાસ કાર્યોથી પ્રભાવિત છે અને પોતાના મતવિસ્તારના હિત માટે પવાર કેમ્પ છોડવા મન બનાવી ચૂક્યા છે. પક્ષમાં ફરી એકવાર ભંગાણના ભયને જોતા આગામી એક-બે દિવસમાં શરદ પવાર જૂથના ટોચના નેતાઓ અને સાંસદોની કટોકટીની બેઠક બોલાવવામાં આવી છે.
મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ પર નજર કરીએ તો લોકસભા ચૂંટણીમાં ૮ બેઠકો જીતનારી શરદ પવારની પાર્ટીનું પ્રદર્શન ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઘણું નબળું રહ્યું હતું અને તેઓ માત્ર ૧૦ બેઠકો પર સસડાઈ પડ્યા હતા, જ્યારે બીજી તરફ વિરોધી અજીત પવાર જૂથે પોતાના ૪૨ ધારાસભ્યોનો કિલ્લો અકબંધ રાખ્યો હતો. ઉદ્ધવ ઠાકરે અગાઉ પોતાના સાંસદોને એક રાખવામાં નિષ્ફળ રહ્યા હતા અને હવે એવો જ ડર શરદ પવારને સતાવી રહ્યો છે કે જો આ ચાર ધારાસભ્યો પક્ષ છોડશે તો તેમનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. સોલાપુરના આ રાજકીય પાવર પ્લેમાં શરદ પવાર પોતાના આ બાજીગરોને બચાવી રાખે છે કે પછી મહાયુતિ 'ઓપરેશન ઘડી' પાર પાડીને નવો ઈતિહાસ રચે છે, તેના પર આખા દેશની નજર મંડાયેલી છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
