News of Wednesday, 8th July 2026
નેપાળનો કિલર હાથી ફરાર :14 વર્ષમાં એક જ પરિવાર પર બે વાર હુમલો કર્યો : અત્યાર સુધીમાં ૨૫ લોકોના મોત
ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાન નજીક ૨૦૧૨માં જેણે માતા-પિતાનો જીવ લીધો હતો, એ જ જંગલી હાથીએ વર્ષો પછી નવા ઘરમાં ઘૂસીને માસૂમ બાળક અને માતાને કચડી નાખતા હાહાકાર

કાઠમંડુ: નેપાળના પ્રખ્યાત ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાન નજીક આવેલા જગતપુર વિસ્તારમાં કુદરતના એક અજીબોગરીબ અને અત્યંત ક્રૂર પ્રકોપની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જંગલી નર હાથીએ ૫ જુલાઈની રાત્રે એક ઘર પર કાળ બનીને હુમલો કર્યો અને ઘરમાં સૂતેલી ૨૫ વર્ષની મહિલા અને તેના અવધૂતા ૪ વર્ષના પુત્રને નિર્મમતાથી કચડી મારી નાખ્યા. આ હુમલાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો છે કારણ કે આ એ જ ખૂંખાર 'હત્યારો હાથી' છે, જેણે ૨૦૧૦થી અત્યાર સુધીમાં અલગ-અલગ ઘટનાઓમાં ૨૫ નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે આ હાથીએ ૧૪ વર્ષના ગાળામાં એક જ કમનસીબ પરિવારને બીજી વાર નિશાન બનાવ્યો છે, જેનાથી વન વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે.
આ પીડિત પરિવારે જણાવ્યું કે વર્ષ ૨૦૧૨માં પણ આ જ જંગલી હાથીએ તેમના માતા-પિતાને કચડીને મારી નાખ્યા હતા. એ ભયાનક આઘાત અને હાથીના ડરથી બચવા માટે પરિવારે પોતાની જૂની જમીન અને ઘર છોડીને ઘણું દૂર બીજે સ્થાયી થવાનો નિર્ણય કર્યો હતો. તેઓને આશા હતી કે નવા વિસ્તારમાં તેઓ સુરક્ષિત રહેશે, પરંતુ વર્ષો પછી આ જંગલી પશુ જાણે વેર વાળવા આવ્યું હોય તેમ તેમના નવા સરનામે પણ ત્રાટક્યું. ભૂતકાળમાં વર્ષ ૨૦૧૨માં આ હાથીએ માત્ર એક જ દિવસમાં ૬૮ ઘરોને તોડીને ભારે તબાહી મચાવી હતી, જેના કારણે નેપાળ સરકારે તેને જોતા જ ગોળી મારવાનો (શૂટ ઓન સાઈટ) આદેશ પણ આપ્યો હતો, પરંતુ તે સેના અને વન વિભાગની પકડમાં આવ્યો ન હતો.
વન્યજીવન નિષ્ણાતોના મતે, વર્ષના ચોક્કસ મહિનાઓમાં નર હાથીઓ 'મસ્ત' (હોર્મોનનું સ્તર અતિશય વધી જવું) અવસ્થામાં આવી જાય છે, જેના કારણે તેમનો સ્વભાવ અત્યંત હિંસક અને આક્રમક બની જાય છે. વળી, જંગલોનું ઘટતું પ્રમાણ અને હાથીઓના પરંપરાગત રસ્તાઓ પર માણસો દ્વારા કરાયેલા અતિક્રમણને લીધે આવી ઘટનાઓ સતત વધી રહી છે. હાલમાં આ હત્યારા હાથીના ગળામાં ટ્રેકિંગ કોલર લગાવેલો હોવા છતાં તે હુમલો કરીને ફરી જંગલના ગાઢ અંધકારમાં ગાયબ થઈ ગયો છે. વન વિભાગની ટીમો ડ્રોન અને આધુનિક ટેકનોલોજીની મદદથી તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ ફફડાટ વ્યાપેલો છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
