<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

કેદારનાથ ધામમાં કુદરતનો પ્રકોપ: સતત આભ ફાટતા હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા કાજે યાત્રા પર લાગી બ્રેક

પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે વહીવટીતંત્ર દ્વારા કટોકટીના પગલાં, ગુપ્તકાશી અને સોનપ્રયાગ સહિતના અનેક હોલ્ટ સ્ટેશનો પર યાત્રાળુઓ અટવાયા

રૂદ્રપ્રયાગ, ૩૧ મે:કેદારનાથ ધામ અને જિલ્લાના ઉપલા પર્વતીય વિસ્તારોમાં શનિવાર રાતથી શરૂ થયેલા અવિરત અને ભારે વરસાદને કારણે વહીવટીતંત્રે સાવચેતીના પગલા રૂપે કેદારનાથ યાત્રાને અસ્થાયી ધોરણે સ્થગિત કરી દીધી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીને પ્રશાસને ટ્રેકિંગ રૂટ પર ભક્તોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. હવામાન વિભાગની ચેતવણી બાદ લેવાયેલા આ નિર્ણયથી હજારો શ્રદ્ધાળુઓ હાલ અધવચ્ચે અટવાઈ પડ્યા છે.

વહીવટી અને આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સત્તાવાર માહિતી અનુસાર, પર્વતોમાં કથળતા હવામાનને જોતા પ્રવાસીઓને સુરક્ષિત સ્થાનો પર જ રોકી દેવામાં આવ્યા છે. ગુપ્તકાશી, ફાટા, રામપુર, શેરશી, સોનપ્રયાગ અને ગૌરીકુંડ ખાતે હજારો યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ, કેદારનાથ ધામના મુખ્ય મંદિર પરિસરમાં હાજર ભક્તોને તબક્કાવાર રીતે સુરક્ષિત નીચે ઉતારવાની કામગી્રી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે.

જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી ટ્રેકિંગ રૂટ, હોલ્ટ સાઇટ્સ અને કેદારનાથ બેઝ કેમ્પ પર તૈનાત તમામ સરકારી વિભાગો, સ્થાનિક પોલીસ, SDRF અને NDRFના જવાનોને ૨૪ કલાક હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, "હાલ શ્રદ્ધાળુઓના જીવ જોખમમાં મૂકી શકાય નહીં. પહાડો પરથી પથ્થરો પડવાના ભય વચ્ચે તમામ સુરક્ષા દળોને યાત્રાળુઓને શક્ય તમામ તબીબી અને લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડવા આદેશો અપાયા છે."

વહીવટીતંત્રે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી બચવા અને માત્ર સત્તાવાર સરકારી બુલેટિન પર જ વિશ્વાસ કરવા યાત્રાળુઓને ખાસ અપીલ કરી છે. પ્રતિકૂળ હવામાન અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે તમામ ભક્તોને હોટેલો કે આશ્રયસ્થાનોની અંદર જ રહેવા અને વહીવટીતંત્રની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની કડક સૂચના આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કેદારનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યો છે અને અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ ભક્તો બાબા કેદારના દર્શન કરીને નવો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨૪ કલાક હજુ પણ ભારે હોઈ શકે છે, જેથી પ્રશાસન દ્વારા સ્થિતિ સુધર્યા બાદ જ યાત્રા પુનઃ શરૂ કરવા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.

(3:02 PM IST)