News of Sunday, 19th July 2026
જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો પ્રકોપ: અચાનક પૂર અને ભૂસ્ખલનમાં ૧૦ના મોત, અનેક લોકો લાપતા
પૂંચ અને કિશ્તવાડમાં ભારે તબાહી બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દિલ્હી પ્રવાસ ટૂંકાવી પરત ફરવાની કરી જાહેરાત

જમ્મુ : જમ્મુ અને કાશ્મીરમાં રવિવારે વહેલી સવારે મુશળધાર વરસાદે ભારે કહેર વર્તાવ્યો છે. પૂંચ, રાજૌરી અને કિશ્તવાડ જિલ્લામાં અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગુમ થતા અફરાતફરી મચી ગઈ છે. ભારે વરસાદને પગલે નદી-નાળાં ગાંડાતુર બન્યા છે, જેનાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને પ્રભાવિત વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પૂંચના સુરનકોટમાં ભૂસ્ખલન અને પૂરને કારણે સૌથી વધુ વિનાશ નોંધાયો છે. નુનાબંધી ગામમાં ઘર તૂટી પડવાથી એક મહિલાનું મોત થયું છે, જ્યારે લોઅર મુર્રાહ વિસ્તારમાં એક જ પરિવારના છ સભ્યો ગુમ હોવાના અહેવાલ છે. કિશ્તવાડના દછનમાં વાદળ ફાટવાની ઘટનાને પગલે ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. સતત ભારે વરસાદને કારણે ચિનાબ અને તાવી નદી ચેતવણીના સ્તરને વટાવી રહી છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.
રાજૌરીમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. નદીઓના પ્રચંડ પ્રવાહમાં અનેક વાહનો તણાઈ ગયા છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી સેંકડો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. નૌશેરામાં મનવર નદીનું સ્તર જોખમી રીતે વધ્યું છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને અનેક સ્થળોએ વીજ થાંભલા ધરાશાયી થયા છે. જમ્મુના પીર ખો વિસ્તારમાં તાવી નદીના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે SDRFની ટીમો દિવસ-રાત મહેનત કરી રહી છે.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તાત્કાલિક અસરથી તેમની દિલ્હી મુલાકાત અધવચ્ચે છોડીને જમ્મુ પરત ફરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે તેઓ સતત સ્થાનિક ધારાસભ્યો અને વહીવટી તંત્રના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પણ તમામ ઉચ્ચ અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં કોઈ પણ કચાશ ન રાખવા આદેશ આપ્યા છે.
આ કુદરતી આફતે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વરસાદ અને પૂરનું જોર હજુ પણ યથાવત હોવાથી આગામી કલાકો ખૂબ જ પડકારજનક માનવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. પ્રભાવિત પરિવારોને તાત્કાલિક સહાય અને આશરો પૂરો પાડવા માટે પાલિકા અને બચાવ દળો દ્વારા કેમ્પ ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
હાલમાં રાહત અને બચાવ કામગીરી જ મુખ્ય અગ્રતા છે. હવામાનની સ્થિતિ સામાન્ય થયા બાદ નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે અને અસરગ્રસ્ત પરિવારોને સરકારી સહાયની ચુકવણી કરવાની પ્રક્રિયા શરૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા દરેક સંભવિત મદદ માટે તમામ સંસાધનો તૈનાત કરવામાં આવ્યા છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
