News of Tuesday, 14th July 2026
કુદરતી આપત્તિ સામે કુદરતી કવચ: વીજળી પડવાના જોખમને ખાળવા પશ્ચિમ બંગાળમાં વવાશે લાખો નાળિયેરીના વૃક્ષો, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની અનોખી પહેલ
કોલકાતામાં 'અરણ્ય સપ્તાહ'નો ધમાકેદાર પ્રારંભ; પર્યાવરણની સુરક્ષા સાથે જાનમાલનું રક્ષણ કરવા રાજ્ય સરકાર ચાલુ વર્ષે ૭.૨૦ કરોડ રોપાઓનું કરશે વિતરણ

કોલકાતા, તા. ૧૪: ચોમાસાની ઋતુમાં આકાશી વીજળી પડવાને કારણે થતી જાનહાનિને રોકવા માટે પશ્ચિમ બંગાળ સરકારે એક અત્યંત પ્રશંસનીય અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો છે. કોલકાતાના સોલ્ટ લેક સ્થિત પ્રતિષ્ઠિત 'બોનોબિટન બાયો ડાયવર્સિટી પાર્ક' ખાતે આયોજિત 'અરણ્ય સપ્તાહ' (વન સપ્તાહ) ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રાજ્યમાં મોટા પાયે નાળિયેરીના વૃક્ષો વાવવા પર વિશેષ ભાર મૂક્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઊંચા નાળિયેરીના વૃક્ષો કુદરતી લાઈટનિંગ કંડક્ટર (વીજળી પ્રતિરોધક) તરીકે કામ કરે છે, જે વીજળીના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મફત રોપાઓ વહેંચશે
આ અનોખી યોજનાને વેગ આપવા માટે મુખ્યમંત્રીએ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ખાસ આદેશો આપ્યા છે કે આ વન મહોત્સવ દરમિયાન સામાન્ય નાગરિકો અને ખેડૂતોને નાળિયેરીના રોપાઓનું મોટા પાયે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે. ૨૦ જુલાઈ સુધી ચાલનારા આ 'અરણ્ય સપ્તાહ' અંતર્ગત પર્યાવરણ જાગૃતિ માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
રથયાત્રાના પાવન પર્વે પણ શિબિરો યોજાશે
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન રાજ્યભરમાં Record-break ૭ કરોડ ૨૦ લાખ વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ અભિયાનની સફળ શરૂઆત ગત ૫મી જૂને 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ૯ લાખ રોપાઓ વાવીને કરવામાં આવી હતી. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળમાં આગામી પવિત્ર રથયાત્રાના તહેવાર પ્રસંગે ઠેર-ઠેર વિશેષ સરકારી શિબિરોનું આયોજન કરવામાં આવશે, જ્યાંથી સામાન્ય જનતાને પર્યાવરણ સુધારણા માટે વિવિધ છોડ અને રોપાઓ સરળતાથી મળી રહેશે.
પર્યાવરણની જાળવણીની સાથે-સાથે વીજળી પડવા જેવી ગંભીર કુદરતી આપત્તિ સામે રક્ષણ મેળવવાની બંગાળ સરકારની આ અનોખી ગ્રીન-વ્યૂહરચનાની અત્યારે દેશભરમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
