News of Friday, 3rd July 2026
રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ વર્ષ-૨૦૨૬: એવોર્ડ માટે રસ ધરાવતા શિક્ષકોએ તા.૧૦ જુલાઈ સુધીમાં વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે
રાષ્ટ્રીય એવોર્ડ માટે શિક્ષકોની પસંદગી કરવા માટે માર્ગદર્શિકા જાહેર

દેશના શ્રેષ્ઠ શિક્ષકોએ તેમની પ્રતિબદ્ધતા અને મહેનત દ્વારા શાળાના શિક્ષણની ગુણવત્તાની સાથે તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે. તેમના આ અનન્ય યોગદાનને બિરદાવા માટે દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવે છે. આ રાષ્ટ્રીય એવોર્ડ માટે શિક્ષકોની પસંદગી કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં દર્શાવેલી સૂચનાઓ મુજબ પાત્રતા ધરાવતા શિક્ષકો રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ-૨૦૨૬ માટે નામની નોંધણી તા. ૧૦ જુલાઇ, ૨૦૨૬ સુધી https://nationalawardstoteachers.education.gov.in વેબસાઈટ ઉપર કરી શકે છે અને અરજદારો/શિક્ષકો દ્વારા તેમનું સ્વનામાંકનનું અંતિમ સ્વરુપ આપીને તા. ૧૩ જુલાઇ ૨૦૨૬ સુધી સબમિટ કરી શકાશે તેમ શિક્ષા મંત્રાલય,શાળા શિક્ષા અને સાક્ષરતા વિભાગ, કેન્દ્ર સરકારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ માટે અરજી અને પસંદગી માટેની પ્રક્રિયા આ મુજબ રહેશે.
૧. તમામ અરજીઓ ઓનલાઈન વેબ પોર્ટલ દ્વારા કરવાની રહેશે.
૨. શિક્ષા મંત્રાલય, પોર્ટલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા પોર્ટલમાં ડેટા એન્ટ્રી વખતે પોર્ટલમાં સમયસર સબમિશન/એન્ટ્રી કરવા અને ટેકનિકલ અને ઓપરેશનલ સમસ્યાઓના નિરાકરણ અંગે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલન સુનિશ્ચિત કરશે.
૩. પોર્ટલના વિકાસ અને જાળવણી માટેનો સમગ્ર ખર્ચ શિક્ષા મંત્રાલય દ્વારા કરાશે.
૪. રાષ્ટ્રીય શિક્ષક પારિતોષિક માટેની તમામ અરજીઓ ઓનલાઈન વેબ પોર્ટલ દ્વારા કરવાની રહેશે.
૫. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના કિસ્સામાં, શિક્ષકો અને શાળાના મુખ્ય શિક્ષક નિર્ધારિત કટ-ઓફ તારીખ પહેલા વેબ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ભરીને સીધી અરજી કરી શકશે.
૬. દરેક અરજદારે એન્ટ્રી ફોર્મ સાથે ઓનલાઇન પોર્ટફોલિયો સબમિટ કરવાનો રહેશે. પોર્ટફોલિયોમાં સબંધિત સહાયક સામગ્રી જેમ કે દસ્તાવેજો, સાધનો, પ્રવૃતિઓના અહેવાલો, ક્ષેત્રની મુલાકાતો, ફોટોગ્રાફ્સ, ઓડિઓ તથા વિડિયો વગેરેનો સમાવેશ કરવાનો રહેશે.
૭. દરેક અરજદારે એ મુજબની બાંહેધરી આપવાની રહેશે કે તેઓ દ્વારા રજૂ કરવામાં આવેલ માહિતી કે આંકડાકીય વિગતો તેઓની જાણ અને માન્યતા મુજબ સાચી છે. જો કોઇ માહિતી અથવા આંકડાકીય વિગતો ખોટી સાબિત થશે તો તેઓ વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે.
રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા શિક્ષકને મળતા લાભ:
રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિના હસ્તે શાલ, પદક અને રૂ. ૫૦,૦૦૦/- નો ચેક પુરસ્કાર સ્વરૂપે એનાયત કરવામાં આવે છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા શિક્ષકને GSTRCની તમામ પ્રકારની બસોમાં સમગ્ર ગુજરાતમાં તેમજ ગુજરાત રાજ્યની બસો જ્યાં જતી હોય ત્યાં નિ:શુલ્ક મુસાફરી કરવાની વિશેષ સુવિધા આપવામાં આવે છે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
