તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
ગાઝિયાબાદના અતિવ્યસ્ત વિસ્તારમાં પોલીસ ચોકીની અંદર રહસ્યમય ધડાકા: કાચ તૂટયા : ડિલિવરી બોય ઘાયલ
અચાનક ધડાકાથી સુરક્ષા તંત્રને દોડતું :એસી કમ્પ્રેસર કે ફટાકડાની શક્યતા નકારી કઢાઈ:પુરાવા આગ્રા લેબમાં મોકલાય:સરહદ પારના મોડ્યુલના ઇનપુટ્સ વચ્ચે સ્પેશિયલ એટીએસ અને ગુપ્તચર વિભાગ દ્વારા તપાસ

દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ વિસ્તારની એક સુરક્ષા ચોકીમાં બનેલી અણધારી ઘટનાએ સમગ્ર પોલીસ વિભાગ અને તપાસ એજન્સીઓમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. ચોકીની અંદર અચાનક એટલો જોરદાર અવાજ થયો હતો કે આસપાસનો માર્ગ અને એલિવેટેડ બ્રિજ ધણધણી ઊઠ્યા હતા. શરૂઆતી તપાસમાં આ ઘટના કોઈ સામાન્ય એસી કમ્પ્રેસર ફાટવાથી કે ફટાકડા ફૂટવાથી થઈ ન હોવાનું સ્પષ્ટ થતાં જ આ મામલે કોઈ મોટા ષડયંત્રની આશંકા સેવાઈ રહી છે. બનાવની ગંભીરતા જોતાં રાજ્યની સ્પેશિયલ એન્ટી ટેરર સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે મોરચો સંભાળી લીધો છે.
આ બનાવ ઇન્દિરાપુરમને ગાઝિયાબાદ સાથે જોડતા મુખ્ય માર્ગ પર આવેલી વસુંધરા ચોકી ખાતે બન્યો હતો. આ વિસ્તાર સતત વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે અને તેના બરાબર ઉપરથી દિલ્હીથી રાજનગર જતો એલિવેટેડ રોડ પસાર થાય છે. આવા મહત્વના અને ચહેલપહેલવાળા સ્થળે કાયદો-વ્યવસ્થાની રક્ષા કરતી ચોકીની અંદર જ આ પ્રકારની ઘટના બનતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ઘટના બનતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ સ્થળ પર પહોંચ્યા હતા. ટેકનિકલ તપાસ કરતા માલૂમ પડ્યું કે રૂમમાં રહેલું એર કંડિશનર કે તેનું કમ્પ્રેસર સંપૂર્ણ સલામત હતું અને કોઈ આતશબાજી પણ થઈ ન હતી. આ કારણોસર અંદર કંઈક અજાણી સામગ્રી સક્રિય થઈ હોવાની શંકા દ્રઢ બની છે, જેના પગલે વરિષ્ઠ અધિકારીઓએ ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે.
તપાસ અધિકારીઓ સામે સૌથી મોટી અડચણ એ આવી છે કે ઘટનાસ્થળની આસપાસ યોગ્ય સીસીટીવી નેટવર્ક ઉપલબ્ધ નથી. ચોકીના મુખ્ય દરવાજે લાગેલા કેમેરામાં કોઈ શંકાસ્પદ હિલચાલ કેદ થઈ છે કે નહીં તેની ટેકનિકલ ચકાસણી હજુ ચાલી રહી છે. દરમિયાન બોમ્બ નિરોધક દસ્તા અને ફોરેન્સિક નિષ્ણાતોએ સ્થળ પરથી કાટમાળ, રસાયણોના અવશેષો અને સેમ્પલ એકત્ર કરીને વિશેષ પરિક્ષણ માટે આગ્રા સ્થિત વિધિ વિજ્ઞાન પ્રયોગશાળામાં મોકલી આપ્યા છે.
આ ઘટના બની તે સમયે રૂમમાં એક સબ-ઇન્સ્પેક્ટર હાજર હતા અને એક યુવાન સામાનની ડિલિવરી આપવા માટે અંદર પ્રવેશ્યો હતો. ધડાકો એટલો તીવ્ર હતો કે બારીઓના બે મોટા કાચ તૂટીને વેરવિખેર થઈ ગયા હતા અને પાછળની પાકી દીવાલમાં સામાન્ય તિરાડ પડી ગઈ હતી. કાચના ઉડેલા તીક્ષ્ણ ટુકડા વાગવાથી સામાન આપવા આવેલો યુવક લોહીલુહાણ થયો હતો, જેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ રાજ્ય પોલીસ દ્વારા સરહદ પારથી સંચાલિત શંકાસ્પદ મોડ્યુલના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાના વડાએ પણ અગાઉ ખુલાસો કર્યો હતો કે સુરક્ષા દળો અને પોલીસ થાણાઓને નિશાન બનાવવાની ગુપ્ત યોજનાઓ ચાલી રહી છે. આ તમામ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ઇન્ટેલિજન્સ યુનિટ આ ઘટનાને કોઈ આતંકી ષડયંત્રના ભાગરૂપે અજમાવાયેલા પ્રયોગ તરીકે પણ તપાસી રહ્યા છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
