<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

મુંબઈના વરલી નાકામાં ટ્રાફિક સમસ્યાથી મળશે મુક્તિ: સાયન્સ સેન્ટરથી પ્લેનેટોરિયમ બ્રિજ ચાર મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે નિર્માણકાર્યની ગતિ વધારી ૩૧ જાન્યુઆરી સુધીમાં ફ્લાયઓવર અને સબવેની કામગીરી પૂરી કરવા કડક આદેશ આપ્યા

મુંબઈ : મુંબઈના વરલી નાકા ખાતે અતિ જટિલ બનેલી વાહનવ્યવહારની સમસ્યાને ઉકેલવા અને વાહનચાલકોને કોસ્ટલ રોડ સુધી સરળતાથી પહોંચાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ નહેરુ સાયન્સ સેન્ટરથી નહેરુ પ્લેનેટોરિયમ વચ્ચે નિર્માણાધીન ફ્લાયઓવર અને સબવેનું કામ આગામી ચાર મહિનામાં એટલે કે ૩૧ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાનો મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.

 

મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે બુધવારે જાતે નિર્માણ સ્થળની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી અને પ્રોજેક્ટની ગતિ ઝડપી બનાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

 

આ નવો ફ્લાયઓવર તૈયાર થઈ જવાથી વાહનચાલકોને વરલી નાકા પરથી સર્કલ મારીને જવામાંથી મુક્તિ મળશે અને ઈ મોઝેસ રોડથી સીધા એની બેસન્ટ રોડ તથા કોસ્ટલ રોડ તરફ જવું અત્યંત સુગમ બનશે, જેનાથી મુસાફરીનો સમય ઓછામાં ઓછો ૧૫ મિનિટ ઘટી જવાની ધારણા છે.

 

સુત્રોના જણાવ્યા અનુસાર, લોઅર પરેલ, મહાલક્ષ્મી અને કરી રોડ વિસ્તારમાંથી આવતા હજારો વાહનો આ પુલનો સીધો ઉપયોગ કરી શકશે, જેના કારણે વરલી નાકા અને તેની આસપાસના વિસ્તારોમાં રોજના ટ્રાફિક જામની સમસ્યામાં મોટા પાયે રાહત મળશે.

 

નિર્માણ કાર્યની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે સાયન્સ સેન્ટર અને જીજામાતા નગર બંને બાજુએ ૧,૨૦૦ મિલીમીટર વ્યાસનું મુખ્ય પાઈલિંગ કામ પૂરું થઈ ગયું છે, જ્યારે ૭૦ ટકા જેટલું અન્ય કામ પૂર્ણતાના આરે છે અને ડેક સ્લેબ કોંક્રીટાઈઝેશનનું કામ પણ અડધાથી વધુ પૂર્ણ થઈ ચૂક્યું છે.

 

હાલમાં ફેક્ટરી તથા સ્થળ પર પોર્ટલ બીમ અને ગર્ડર નિર્માણ તેમજ ગર્ડર સ્પાન ગોઠવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂરી કરીને માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(8:36 PM IST)