<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

મુંબઇ : સીઝનનો ૯૭ ઇંચ વરસાદ : અલનિનો છતાં ૧૦૫.૩૩ ટકા વરસાદ

સાંતાક્રુઝમાં ૨૪૪૨.૬ મીમી તથા કોલાબામાં ૧૮૯૬.૯ મીમી વરસાદ નોંધાયો

 

મુંબઈ તા. ૧૬ :  આ વર્ષે મુંબઈ સહિત સમગ્ર દેશમાં ચોમાસા ઉપર ‘અલ નીનો' અસર રહી છે. ઓછા વરસાદની ચેતવણી વચ્‍ચે ઑગસ્‍ટ મહિનો લગભગ સૂકો રહ્યા બાદ રવિવારના પડેલા મુશળધાર વરસાદથી મુંબઈમાં વાર્ષિક ચોમાસાનો ક્‍વોટા પૂર્ણ થઈ ગયો છે. મુંબઈમાં ૨૪ જૂનના ચોમાસાનું આગમન થયું હતું ત્‍યારથી ૧૫ સપ્‍ટેમ્‍બર સુધીમાં મુંબઈના ઉપનગરમાં ૨,૪૪૨.૬ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે મોસમનો સરેરાશ ૧૦૫.૩૩ ટકા વરસાદ ગણાય છે.

હવામાન વિભાગના આંકડા મુજબ  આ ચાર મહિના દરમ્‍યાન સાંતાક્રુઝ વેધશાળામાં સરેરાશ ૨,૪૪૨.૬ મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્‍યારે દક્ષિણ મુંબઈમાં  કોલાબામાં વેધશાળામાં ૧,૮૯૬.૯ મિ.મી. વરસાદ નોંધાયો  છે.  મુંબઈમાં  ચોમાસાની વિદાયને હજી થોડો સમય બાકી છે, તેમ છતાં સાંતાક્રુઝ સ્‍ટેશને અત્‍યાર સુધીમાં બે ટકાના વધારા સાથે આ વર્ષના ચોમાસાના સરેરાશ વરસાદના ક્‍વોટાને વટાવી દીધો છે.

મુંબઈમાં ઑગસ્‍ટ મહિનો લગભગ કોરો રહ્યા બાદ સપ્‍ટેમ્‍બરમાં પણ છેક પખવાડિયું પૂરું થવાનું હતું ત્‍યારે વરસાદે ફરી એન્‍ટ્રી કરી હતી. શનિવાર મોડી રાતથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ આખો દિવસ પડ્‍યો હતો. જોકે સોમવારથી  વરસાદે બ્રેક લીધો હતો. શનિવાર-રવિવારના મુંબઈના અનેક વિસ્‍તારમાં લગભગ ૧૦૦ મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો હતો.

તેથી મુંબઈના સરેરાશ વરસાદમાં વધારો જોવા મળ્‍યો હતો.

આ વર્ષે ચોમાસાની ઋતુ દરમ્‍યાન ‘અલ નીનો' સિસ્‍ટમને કારણે લાંબા સમય સુધી વરસાદ વિનાનો સૂકો ગાળો જોવા મળ્‍યો હતો. જૂન અને ઑગસ્‍ટ મહિનામાં મુંબઈમાં વરસાદની નોંધપાત્ર અછત જોવા મળી હતી. જૂનમાં મુંબઈમાં માત્ર ૪૧૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જે જૂન મહિનાના વાસ્‍તવિક સરેરાશ વરસાદ કરતાં પચીસ ટકા ઓછો હતો, જ્‍યારે ઑગસ્‍ટમાં મુંબઈમાં  મહિનાના વાસ્‍તવિક મોસમી સરેરાશ વરસાદના માત્ર ૫૭ ટકા વરસાદ જ નોંધાયો હતો, જોકે જુલાઈ મહિનામાં ઉપનગરીય અને શહેરના વિસ્‍તારોમાં એક જ અઠવાડિયામાં ૧,૦૦૦ મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો હતો.

ગયા વર્ષે ઑગસ્‍ટ મહિના સુધીમાં જ મુંબઈએ તેના વાર્ષિક સરેરાશ વરસાદના ક્‍વોટાને  વટાવી દીધો હતો. હવામાનના નિષ્‍ણાતના કહેવા મુજબ મુંબઈમાં હવે ભારે વરસાદની શકયતા ઓછી છે. જોકે આ અઠવાડિયાના  અંત સુધી હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. એ બાદ ઑકટોબરમાં ચોમાસું વિદાય લેશે. જોકે દેશમાંથી નૈઋત્‍યના ચોમાસાની વિદાય રાજસ્‍થાનથી ૧૭ સપ્‍ટેમ્‍બરથી શરૂ થશે અને ૧૫ ઑક્‍ટોબર સુધીમાં સમગ્ર ભારતમાંથી ચોમાસું વિદાય લેશે.(૨૧

(11:02 AM IST)