<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

મુઇઝુના તેવર બદલાયા: ઈરાન પછી હવે માલદીવે અમેરિકાને બતાવ્યો 'ઘમંડ', ટ્રમ્પના ખાસ ગણાતા રાજદૂત સાથેની બેઠક છેલ્લી ઘડીએ રદ કરી ખળભળાટ મચાવ્યો!

ભારત પ્રવાસ પહેલા જ મુઇઝુની વિવાદાસ્પદ ચાલ: અમેરિકા-ઈઝરાયેલ ગઠબંધન સામે વિરોધ પ્રદર્શિત કરવા યુએસ ડિપ્લોમેટને મળવાનું ટાળ્યું, ઘર આંગણે ચૂંટણીમાં હાર છતાં વિદેશ નીતિમાં આક્રમકતા યથાવત

માલે, તા.૧૫: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની રાજદ્વારી જીદ બતાવીને બધાને ચોંકાવી દીધા છે. ઈરાન દ્વારા અમેરિકા સામે લેવાયેલા કડક વલણ બાદ, હવે માલદીવે પણ યુએસ રાજદૂત સર્જિયો ગોર સાથેની સુનિશ્ચિત બેઠક છેલ્લી ઘડીએ રદ કરી દીધી છે. સર્જિયો ગોર રાષ્ટ્રપતિ ટ્રમ્પના અત્યંત નજીકના સહયોગી માનવામાં આવે છે, છતાં મુઇઝુએ તેમને મળવાને બદલે અંતર જાળવવાનું પસંદ કર્યું, જેણે વોશિંગ્ટન અને માલે વચ્ચેના સંબંધોમાં તણાવ વધારી દીધો છે.
જોકે સત્તાવાર રીતે આ બેઠક રદ કરવાનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ રાજદ્વારી વર્તુળોમાં એવી ચર્ચા છે કે મુઇઝુ પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયેલની નીતિઓથી નારાજ છે. ખાસ કરીને ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષમાં અમેરિકાના વલણ સામે વિરોધ નોંધાવવા માટે મુઇઝુએ આ રસ્તો અપનાવ્યો હોવાનું માનવામાં આવે છે.
 
બંધ બારણે બેઠકનો પ્રસ્તાવ અને અમેરિકાનો ઈનકાર
અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ કાર્યાલયે છેલ્લી ઘડીએ રાજદૂત ગોરને ખાનગી અને 'બંધ બારણે' મુલાકાત લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, યુએસ રાજદૂતે પારદર્શિતાના અભાવે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. મુઇઝુ છેલ્લા કેટલાક સમયથી વિદેશી નેતાઓ અને રાજદ્વારીઓ સામે કડક વલણ અપનાવી રહ્યા છે, જેથી સાબિત કરી શકાય કે તેઓ કોઈ પણ બાહ્ય દબાણ હેઠળ કામ કરવા માંગતા નથી.
 
ઘર આંગણે મુઇઝુની સ્થિતિ નાજુક
વિદેશ નીતિમાં આટલો મોટો ઘમંડ બતાવનાર મુઇઝુ પોતાની જ જનતાનો વિશ્વાસ ગુમાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે:
•    ચૂંટણીમાં પરાજય: તાજેતરની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મુઇઝુની પાર્ટી 'પીપલ્સ નેશનલ કોંગ્રેસ'નો સફાયો થયો છે.
•    લોકમતનો ઝટકો: ૪ એપ્રિલના રોજ યોજાયેલા લોકમતમાં ૬૦% જનતાએ મુઇઝુના પ્રસ્તાવને ફગાવી દીધો છે.
•    વિપક્ષનો દબદબો: વિપક્ષી પાર્ટી MDPએ મુખ્ય પાંચ શહેરોમાં મેયરની ચૂંટણી જીતીને સરકારની ઊંઘ હરામ કરી દીધી છે.
 
આર્થિક સંકટમાં ભારત પાસે મદદ અને ચીન સાથે 'ગઠબંધન'
માલદીવ હાલમાં દેવાના ડુંગર નીચે દબાયેલું છે. તેણે ભારત પાસેથી $૪૦૦ મિલિયન ની લોન લંબાવવા માટે આજીજી કરી છે, જોકે ભારત સરકારે હજુ આ બાબતે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. આશ્ચર્યની વાત એ છે કે, એક તરફ ભારત પાસે મદદ માંગનાર મુઇઝુએ બીજી તરફ એક મહત્વનો બંદર પ્રોજેક્ટ ચીની કંપનીને સોંપી દીધો છે, જે અગાઉ ભારતને આપવાની વાત હતી. ભારત સાથેના સંબંધોમાં ખટાશ અને ચીન તરફનું ઝુકાવ મુઇઝુ માટે આવનારા સમયમાં ગંભીર પરિણામો લાવી શકે છે. રાજદ્વારી નિષ્ણાતો માને છે કે અમેરિકા જેવા શક્તિશાળી દેશને નારાજ કરવો એ મુઇઝુની મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

(4:54 PM IST)