<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

માતૃત્વ દેશનું ગૌરવ છે, તેના કારણે મહિલા ખેલાડીને નુકસાન ન થવું જોઈએ: વિનેશ ફોગાટના સમર્થનમાં દિલ્હી હાઈકોર્ટની રેસલિંગ ફેડરેશનને જોરદાર ફટકાર

નિયમો બદલીને દિગ્ગજ કુસ્તીબાજને અયોગ્ય ઠેરવવાના નિર્ણય પર કોર્ટે વ્યક્ત કરી ભારે નારાજગી; આગામી એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકારને તાકીદે નિષ્ણાત પેનલ બનાવવા આદેશ

નવી દિલ્હી : ભારતની સ્ટાર મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસમાં દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઘરેલુ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વિનેશ ફોગાટને "અયોગ્ય" જાહેર કરવાના નિર્ણય બદલ હાઈકોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ની આકરા શબ્દોમાં ટીકા કરી છે. અદાલતે કેન્દ્ર સરકારને તાકીદનો આદેશ આપતાં કહ્યું છે કે તેઓ વિનેશ ફોગાટની શારીરિક ક્ષમતા અને તકોનું મૂલ્યાંકન કરવા માટે તાત્કાલિક એક નિષ્ણાત પેનલની રચના કરે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરનારી આ ખેલાડી સાથે અન્યાય ન થાય.
ફેડરેશનનું પક્ષપાતી વલણ ઘણું બધું કહી જાય છે
મુખ્ય ન્યાયાધીશ ડી. કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની ખંડપીઠે આ મામલે કડક વલણ અપનાવતા અવલોકન કર્યું કે, પ્રતિષ્ઠિત રમતવીરોને સીધી ભાગીદારી આપવાની અગાઉની પ્રથા અને પરિપત્રમાંથી WFI નું અચાનક પાછળ હટવું "ઘણી બધી વાતો કહી જાય છે." કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું કે, "પરિપત્રમાં કરવામાં આવેલો આ ફેરફાર જ બધું સાબિત કરવા માટે પૂરતો છે. આ પ્રકારનું વર્તન બિલકુલ સ્વીકાર્ય નથી અને તે રમતગમતના શ્રેષ્ઠ હિતમાં નથી." પ્રસુતિ વિરામ (Maternity Leave) બાદ રિંગમાં પુનરાગમન કરવા માંગતી વિનેશ ફોગાટને આગામી એશિયન ગેમ્સની પસંદગી ટ્રાયલ્સમાં બેસવા દેવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને મૌખિક ખાતરી આપવા પણ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય શરમ જેવી ગંભીર નોટિસ સામે કોર્ટનો સખત રોષ
ફેડરેશન દ્વારા વિનેશ ફોગાટને પાઠવવામાં આવેલી કારણ બતાવો (શો-કોઝ) નોટિસ સામે હાઈકોર્ટે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ નોટિસમાં દાવો કરવામાં આવ્યો હતો કે પેરિસ ઓલિમ્પિકમાં વિનેશનું ગેરલાયક ઠરવું એ "રાષ્ટ્રીય શરમ" હતી. કોર્ટે આ દલીલને ફગાવી દેતાં પ્રશ્ન કર્યો કે, "તે જુલાઈ ૨૦૨૫ માં માતા બની હતી અને અત્યારે આપણે મે ૨૦૨૬ માં છીએ. તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કુસ્તીબાજ છે. ફેડરેશન અને ખેલાડી વચ્ચે ગમે તેવો વિવાદ કે ઝઘડો હોય, તેના કારણે દેશના રમતગમતના ગૌરવને શા માટે નુકસાન થવું જોઈએ? આપણા દેશમાં માતૃત્વની ઉજવણી કરવામાં આવે છે, તો પછી કોઈ મહિલાના કરિયરના નુકસાન માટે તેનો ઉપયોગ કેમ થઈ શકે?"
સિંગલ જજના આદેશ સામે વિનેશની અપીલ
વાસ્તવમાં, અગાઉ ૧૮ મેના રોજ સિંગલ જજની બેન્ચે વિનેશ ફોગાટને તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને WFI દ્વારા અયોગ્ય જાહેર કરાયા હોવાના કારણે ૩૦-૩૧ મેના રોજ યોજાનારી એશિયન ગેમ્સની પસંદગી ટ્રાયલ્સમાં તેણીની ભાગીદારી પર રોક લગાવી દીધી હતી. આ આદેશ સામે વિનેશે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. હાઈકોર્ટે આ મામલાની ગંભીરતાને જોતાં સરકારી વકીલને બપોરે ૨:૩૦ વાગ્યે નિષ્ણાત ટીમની રચના અને બંધારણ અંગેની સંપૂર્ણ વિગતો સાથે કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે, જેથી દેશની દીકરીને રમતગમતના મેદાન પર ન્યાય મળી શકે.

(7:25 PM IST)