News of Saturday, 9th May 2026
એક સગીર છોકરી ૧૩ વર્ષ પહેલા ગુમ થઈ હતીઃ મળી તો ૪ બાળકોની મા હતી
૨૦૧૩માં પરિવારે એક શખ્સ પર ફોસલાવીને લઈ જવાનો આરોપ લગાવ્યો હતો

મુઝફફરપુર તા.૯: એક સગીર છોકરી ૧૩ વર્ષ પહેલા ગુમ થઈ હતી. હવે જ્યારે તે પોલીસને મળી તો ૪ બાળકોની મા હતી. તેના ગુમ થવાની અસલી હકીકત જાણી પરિવાર પણ ચોંકી ગયો. હકીકતમાં જોઈએ તો, ૨૦૧૩માં પરિવારે ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરી મોટી બહેન સાથે સ્કૂલે જવા નીકળી હતી. શાળામાંથી વચ્ચે રજા લઈને ઘરે આવી ગઈ અને રસ્તામાંથી ગાયબ થઈ હતી. જો કે પરિવારે એક શખ્સ પર ફોસલાવીને લઈ જવાનો આરોપ લગાવ્યો હતો. પણ પોલીસને તે સમયે કંઈ સમજાયું નહીં, તે મળ્યા બાદ જે હકીકત સામે આવી પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ.
આ મામલો મુઝફફરપુર જિલ્લાના કટરા વિસ્તારના દેવગન ગામનો છે. ગામના રહેવાસી મોહમ્મદ અલીની પત્ની હરસિદા ખાતૂને કટરામાં ૨૦૧૩માં આવેદન આપી ફરિયાદ નોંધાવી હતી કે ૧૧ મેના રોજ તેમની સગીર છોકરી ગુલનાઝ ખાતૂન પોતાની બહેન સાથે સ્કૂલે જવા નીકળી હતી. તે ઘરે પરત ફરતી વખતે રસ્તામાંથી ગાયબ થઈ ગઈ.
ગુલનાઝની માએ પોતાના જ ગામમાં રહેતા દરભંગા જિલ્લાના સિહવાડા વિસ્તારના રહેવાસી રાકેશ ઠાકુર પર તેમની દીકરી ગાયબ કરવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદના આધાર પર પોલીસે મામલો નોંધી તપાસ શરુ કરી, પણ વર્ષો સુધી કોઈ ઠોસ પૂરાવો હાથ લાગ્યો નહીં. લગભગ ૧૩ વર્ષ બાદ હવે જ્યારે પોલીસ યુવતી સુધી પહોંચી તો ખુદ ચોંકી ગયા. તપાસમાં સામે આવ્યું કે યુવતી પોતાના પાડોશમાં રહેતા માસીયાઈ ભાઈ અબ્દુલ સાથે જ ઘરેથી ભાગી ગઈ હતી અને હાલમાં તે ૪ બાળકોની માતા છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ઘરેથી ભાગતા પહેલા ગુલનાઝ અને અબ્દુલ વચ્ચે પ્રેમ સંબંધ હતો. કહેવાય છે કે બંનેએ મળીને ઘરેથી ભાગવાનો પ્લાન બનાવ્યો હતો અને ત્યારથી બંને એક સાથે રહેતા હતા. આ કેસમાં ૨૦૧૩માં અત્યાર સુધી કેટલાય પોલીસ અધિકારીઓએ તપાસ કરી અને યુવતીની શોધખોળ કરી, પણ કોઈ તેને જપ્ત કરી શકયું નહીં.
છેલ્લે કટરા પોલીસમાં તૈનાત સબ ઈન્સ્પેકટર રાની કુમારીએ ૧૩ વર્ષ બાદ પોતાના જ વિસ્તારના દરગાહ ચોકમાંથી યુવતીની ધરપકડ કરી. જપ્ત કર્યા બાદ યુવતીને ધારા ૧૬૪ અંતર્ગત નિવેદન નોંધવા માટે કોર્ટમાં હાજર કરવામાં આવી. નિવેદન નોંધ્યા બાદ કોર્ટના નિર્દેશ પર યુવતીને તેના પતિને સોંપી દેવામાં આવી.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
