News of Saturday, 3rd October 2026
પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં હિંસક વિરોધ દરમિયાન મિગ-૨૩ વિમાન પર ચડી તોડફોડ કરનાર સગીરની હિમાચલ પ્રદેશથી ધરપકડ: સોશિયલ મીડિયા પર વાયરલ તસવીર અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મોટી કાર્યવાહી કરી
કેમ્પસમાં થયેલી ભારે તોડફોડ અને આગચંપી બાદ વતન મંડી ભાગી ગયેલા વિદ્યાર્થીની ગુપ્ત માહિતીના આધારે ધરપકડ; પંજાબ પોલીસે હિમાચલ પોલીસના સહયોગથી સફળ ઓપરેશન પાર પાડી ઝડપી પાડ્યો

જલંધર / મંડી:પંજાબના ફગવાડા સ્થિત વિખ્યાત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) કેમ્પસમાં તાજેતરમાં થયેલા ઉગ્ર હંગામા અને હિંસક તોડફોડના મામલે પંજાબ પોલીસને મોટી સફળતા સાંપડી છે. હિંસા દરમિયાન કેમ્પસમાં પ્રદર્શન માટે મુકાયેલા ભારતીય વાયુસેનાના નિવૃત્ત 'મિગ-૨૩' (MiG-23) ફાઇટર જેટ પર ચડીને હુડદંગ મચાવનારા અને ઉપદ્રવ કરનારા મુખ્ય આરોપી સગીર વિદ્યાર્થીની પોલીસે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાંથી ધરપકડ કરી લીધી છે.
વાયરલ તસવીરથી પોલીસ એકશનમાં આવી
યુનિવર્સિટી કેમ્પસમાં હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન આ સગીર વિદ્યાર્થી પાછળ સળગતી આગના દ્રશ્યો વચ્ચે પ્રદર્શન માટે રાખવામાં આવેલા મિગ-૨૩ લડાકુ વિમાન પર ચડી ગયો હતો અને ત્યાં ઊભા રહીને પોઝ આપતો નજરે પડ્યો હતો. સોશિયલ મીડિયા પર આ તસવીર અને વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી હતી. કેમ્પસમાં તોડફોડ અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાના ગુનામાં આ સગીરનો ચહેરો હિંસાનો મુખ્ય ચહેરો બની ગયો હતો.
સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી ઓળખ થઈ
હિંસાની ઘટના બાદ પંજાબ પોલીસે કેમ્પસ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરા અને સોશિયલ મીડિયા ફૂટેજના ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આ હુડદંગી સગીરની ઓળખ કરી હતી. ઓળખ છતી થતાં જ જાણવા મળ્યું હતું કે આરોપી LPU નો જ વિદ્યાર્થી છે અને તેના પિતા હિમાચલ પ્રદેશના મંડી સ્થિત સરકારી કચેરીમાં સેવા આપે છે.
ગુપ્ત ઓપરેશન અને ધરપકડ
કેમ્પસમાં હિંસા અને તોડફોડ આચર્યા બાદ આ સગીર પોલીસથી બચવા માટે મંડી ખાતે આવેલા પોતાના ઘરે ભાગી ગયો હતો. ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે પંજાબ પોલીસની એક વિશેષ ટુકડી હિમાચલ પ્રદેશના મંડી ખાતે પહોંચી હતી અને સ્થાનિક પોલીસના સહયોગથી દરોડો પાડીને સગીરને તેના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લીધો હતો.
તપાસનો ધમધમાટ તેજ
ઉલ્લેખનીય છે કે, કેમ્પસમાં બનેલી ઘટના બાદ સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી અને અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ તેમજ આગચંપી કરી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં સગીર સહિત અનેક ઉપદ્રવીઓની અટકાયત કરી છે. ઝડપાયેલા સગીર સામે કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આ હિંસા પાછળ અન્ય કયા તત્વોનો હાથ હતો તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
