News of Wednesday, 15th July 2026
રથયાત્રા પહેલા હવામાન વિભાગની ચેતવણી :દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી
દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર સહિત અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના

નવી દિલ્હી :દેશભરમાં ચોમાસાની સ્થિતિ ફરી બદલાઈ રહી છે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ગરમી અને બફારો યથાવત્ છે, જ્યારે પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી કલાકોમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી કરી છે. ખાસ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલી આ આગાહીએ લોકો અને વહીવટી તંત્રની ચિંતા વધારી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, તેથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદ, પુરી સહિત દેશના અનેક શહેરોમાં ભક્તિભાવ સાથે નીકળશે. આ દિવસે હવામાન પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કલાકોમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર સહિત અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વીજળીના કડાકા અને તેજ પવન પણ ફૂંકાઈ શકે છે. લોકોને ઘરેથી નીકળતા પહેલાં હવામાનની માહિતી તપાસવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હી-એનસીઆરમાં સવારના સમયે હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા, પરંતુ બપોર બાદ ફરી ગરમી અને બફારાનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ અહીં આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે અને ભારે વરસાદની કોઈ ખાસ સંભાવના નથી. બીજી તરફ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદી પ્રવૃત્તિઓ વધશે. પંજાબમાં 19 જુલાઈ સુધી જ્યારે હરિયાણા અને ચંદીગઢમાં 20 જુલાઈ સુધી વરસાદી માહોલ રહી શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 17 જુલાઈ સુધી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 21 જુલાઈ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પૂર્વ ભારતના રાજ્યોમાં ચોમાસું સક્રિય છે. બિહારમાં 20 જુલાઈ સુધી અને પશ્ચિમ બંગાળમાં 21 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઝારખંડમાં આ સિઝનમાં અત્યાર સુધી સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ ઓડિશાના પુરીમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી નજીક લો-પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે, જેના કારણે પુરી સહિત ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરપૂર્વના સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદનું એલર્ટ યથાવત્ છે. દક્ષિણ ભારતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે તેજ પવન પણ ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સત્તાવાર હવામાન અપડેટ પર નજર રાખવા, જરૂરી કામ હોય ત્યારે જ બહાર નીકળવા અને વરસાદી પરિસ્થિતિમાં સંપૂર્ણ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
