News of Saturday, 4th July 2026
મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: કલ્યાણ-ડોમ્બિવલીમાં મુશળધાર વરસાદથી હાહાકાર, કમરડૂબ પાણીમાં વહેતી થઈ કાર, સેંકડો ઘરોમાં પૂરના પાણી ઘૂસ્યા!
સિઝનના સૌથી ભયાનક વરસાદે જોડિયા શહેરોનું જનજીવન બાનમાં લીધું; કેમિકલયુક્ત પાણી અને ગટરો ઉભરાતા રોગચાળાનો ભય, પાલિકા તંત્ર હાઈ એલર્ટ પર

કલ્યાણ : મહારાષ્ટ્રમાં ચોમાસાએ આક્રમક બેટિંગ શરૂ કરી છે. શુક્રવારે મોડી રાતથી શરૂ થયેલા આભ ફાટવા જેવા અવિરત અને મુશળધાર વરસાદે મુંબઈને અડીને આવેલા કલ્યાણ અને ડોમ્બિવલી જોડિયા શહેરોને બાનમાં લઈ લીધા છે. માત્ર થોડા જ કલાકોમાં ખાબકેલા સિઝનના આ સૌથી ભારે વરસાદને કારણે સમગ્ર પંથક જળબંબોળ થઈ ગયો છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારો અને સેંકડો ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. લોકોએ પોતાના ઘરનો સામાન બચાવવા માટે આખી રાત જાગીને વિતાવી પડી હતી.
સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) એ પોતાની આપત્તિ વ્યવસ્થાપન પાંખ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે અને નાગરિકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા કડક ચેતવણી આપી છે.
રસ્તાઓ પર કમરડૂબ પાણી, શિલ્ફાટા રોડ પર તરતી દેખાઈ કાર!
ભારે વરસાદને કારણે કલ્યાણ પશ્ચિમમાં આવેલો ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ અને કચોર રોડ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા, જેથી સેંકડો વાહનો રસ્તાની વચ્ચે જ ફસાઈ ગયા હતા. આ જળપ્રલયનો સૌથી નાટકીય અને ભયાનક નજારો શિલ્ફાટા રોડ પર જોવા મળ્યો હતો, જ્યાં પૂરના પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે એક આખી કાર રમકડાની જેમ પાણીમાં તરતી જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. પત્રીપુલ, શિવાજી ચોક, ગુરુદેવ હોટલ પરિસર, MIDC અને ટિટવાલા જેવા મુખ્ય વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ જવાથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.
ઘરોમાં ઘૂસ્યા ગંદા પાણી, વેપારીઓને મોટું નુકસાન
કલ્યાણ પૂર્વના ચિંચપાડા સ્થિત રાહુલ નગરમાં વરસાદી પાણી લોકોના ઘરોની અંદર ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઉપરાંત, મોહિન્દર સિંહ-કાબુલ સિંહ સ્કૂલ કેમ્પસમાં આવેલી ચાલના ઘરોમાં ગટરના ગંદા પાણી ભરાઈ જવાને કારણે અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ સર્જાઈ છે, જેનાથી સ્થાનિકોમાં ગંભીર રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ, ડોમ્બિવલી રેલ્વે સ્ટેશનની આસપાસના મુખ્ય માર્કેટ અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.
કેમિકલયુક્ત પૂર અને ખુલ્લા ડ્રેનેજે વધાર્યું જોખમ
આ કુદરતી આફત વચ્ચે તંત્રની બેદરકારી પણ સામે આવી છે. ડોમ્બિવલી-ખંભાલપાડા રોડ પર ટાટા પાવર સ્ટેશન નજીક MIDC ચેમ્બરમાંથી કેમિકલયુક્ત ઝેરી પાણી ઉભરાઈને રસ્તા પર આવી જતાં સ્થિતિ વધુ જોખમી બની છે. ન્યૂ ગોવિંદવાડી વિસ્તારમાં ભૂષણ જીમ નજીક ફૂટપાથ પરનું ડ્રેનેજ કવર તૂટી જતાં રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ પણ ચોમાસું શાંત થવાના કોઈ સંકેત નથી. આગામી દિવસોમાં જો આવો જ વરસાદ ચાલુ રહ્યો તો કલ્યાણ-ડોમ્બિવલી ક્ષેત્રમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, જેને પગલે વહીવટી તંત્ર ચોવીસે કલાક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
