તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Monday, 11th May 2026
વિમાનના ટાયરમાં ભીષણ આગઃ ૨૮૯ મુસાફરોના જીવ તાળવે ચોંટયા
કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે એક મોટો વિમાન અકસ્માત થતા રહી ગયો

કાઠમંડુ,તા.૧૧: નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે સવારે એક મોટો વિમાન અકસ્માત થતા રહી ગયો હતો. ટર્કિશ એરલાઈન્સના એક વિમાનના ટાયરમાં લેન્ડિંગ દરમિયાન અચાનક આગ લાગી ગઈ હતી. જોકે, એરપોર્ટ પ્રશાસન અને ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ પર તરત જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.
મળતી માહિતી મુજબ, ટર્કિશ એરલાઈન્સની ફલાઈટ TK ૭૨૬ ઈસ્તાંબુલથી કાઠમંડુ આવી રહી હતી. જ્યારે વિમાન રનવે પર લેન્ડ કરી રહ્યું હતું ત્યારે તેના જમણી બાજુના લેન્ડિંગ ગિયર (ટાયર) માં આગ લાગી હતી અને જોતજોતામાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. એરપોર્ટ સુરક્ષાના એસપી રાજકુમાર સિલાવલે પુષ્ટિ કરી છે કે ફાયર એન્જિનની મદદથી આગને બુઝાવી દેવામાં આવી છે.
આ વિમાનમાં કુલ ૨૭૮ મુસાફરો અને ૧૧ ક્રૂ મેમ્બર્સ મળી કુલ ૨૮૯ લોકો સવાર હતા. ખાસ વાત એ છે કે મુસાફરોમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) ના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા. વિમાનના ઈમરજન્સી દરવાજા ખોલીને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં લેન્ડિંગ ગિયરમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે. હાલમાં એરપોર્ટ કે એરલાઈન્સ કંપની દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાના કારણો જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
