News of Sunday, 3rd May 2026
દિલ્હીના વિવેક વિહારમાં એસી બ્લાસ્ટ થતા ચાર માળની ઇમારતમાં ભીષણ આગ : નિદ્રાધીન 9 લોકોના જીવતા ભુંજાઈ જવાથી કમકમાટીભર્યા મોત
વહેલી સવારે લાગેલી આગમાં છતનો દરવાજો બંધ હોવાથી લોકો ધુમાડાના ગોટામાં ફસાયા : બેડ પર જ 3 લોકોના મૃતદેહ મળ્યા : 4 ગંભીર ઈજાગ્રસ્તો સારવાર હેઠળ : 14 ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ લપટો પર કાબૂ મેળવ્યો

નવી દિલ્હી: દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. એક રહેણાંક ઇમારતમાં એર કન્ડીશનર (AC) ફાટવાને કારણે લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટના રવિવારે વહેલી સવારે આશરે 3:45 વાગ્યે બની હતી. તે સમયે ઇમારતના મોટાભાગના લોકો નિદ્રાધીન હતા, જેના કારણે અનેક લોકોને બહાર નીકળવાની તક સુધ્ધાં મળી ન હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ એસી બ્લાસ્ટ હોવાનું મનાઈ રહ્યું છે, જોકે ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
મળતી માહિતી મુજબ, સૌપ્રથમ ઇમારતના બીજા માળે એક ફ્લેટમાં આગ લાગી હતી જે જોતજોતામાં ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. જ્યારે આગની જ્વાળાઓ તેજ બની ત્યારે ત્રીજા માળ પર હાજર લોકો જીવ બચાવવા અગાસી તરફ દોડ્યા હતા, પરંતુ અગાસીનો દરવાજો બંધ હોવાથી લોકો ધુમાડા અને આગની લપેટમાં ફસાઈ ગયા હતા. બહાર નીકળવાનો રસ્તો ન મળવાને કારણે લોકો અંદર જ ગૂંગળાઈ ગયા હતા. બીજા માળે હાજર 4 લોકો પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. અગાઉ 8 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, જે આંકડો વધીને હવે 9 થયો છે.
બિસ્તર પર જ મળી આવ્યા મૃતદેહ:
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન એક ડઝનથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. દમકલ વિભાગના જણાવ્યા મુજબ, ત્રણ લોકોના મૃતદેહ બિસ્તર પરથી જ મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે તેમને બચવા માટે સંભળવાનો પણ સમય મળ્યો ન હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હોવાથી હાલ તેમની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શોક અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
