<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

યુપીના સહારનપુરમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ: ૪ લોકોના કરુણ મોતની આશંકા, બે મૃતદેહ મળી આવ્યા; ૨ કિમી સુધી ગૂંજ્યો ધડાકો

પ્રચંડ ધમાકાથી ફેક્ટરીની દીવાલો જમીનદોસ્ત: દૂર દૂર સુધી વિખરાયેલા શબના ટુકડાઓથી વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ

સહારનપુર : ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લા હેઠળના ગંગોહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુંડાબાસી ગામની બહાર શુક્રવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ગામ બહાર આવેલી એક ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક ભીષણ વિસ્ફોટ થતાં ભારે અફરાતફરી અને સન્નાટો છવાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં પ્રાથમિક અંદાજ મુજબ ચાર લોકોના કરુણ મોત થયાની આશંકા સેવાઈ રહી છે, જ્યારે ઘટનાસ્થળેથી અત્યાર સુધી બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

૨ કિલોમીટર દૂર સુધી ગૂંજ્યો ધડાકો, દીવાલો જમીનદોસ્ત

વિસ્ફોટ એટલો પ્રચંડ અને શક્તિશાળી હતો કે તેનો ગૂંજતો અવાજ આસપાસના લગભગ ૨ કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાયો હતો, જેના કારણે સ્થાનિક ગ્રામજનો ભારે દહેશત હેઠળ આવી ગયા હતા. ધડાકાના આઘાતથી ફેક્ટરીની મજબૂત દીવાલો ક્ષણભરમાં ધરાશાયી થઈ ગઈ હતી અને ત્યાં કામ કરી રહેલા મજૂરોના શરીરના અંગો દૂર દૂર સુધી વિખરાઈ ગયા હતા.

પોલીસ અને તબીબી ટીમનું રેસ્ક્યૂ ઓપરેશન જારી

ઘટનાની જાણ થતાં જ ગંગોહ પોલીસ સ્ટેશનની ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ગાઝિયાબાદના એક શખ્સ દ્વારા સંચાલિત આ ફેક્ટરીના કાટમાળમાંથી અવશેષો અને વિખરાયેલા અંગો એકત્ર કરીને બાકીના મૃતદેહોની ઓળખ હાથ ધરવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસને આસપાસના વિસ્તારને સીલ કરી વિસ્ફોટના મુખ્ય કારણો અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(7:33 PM IST)