News of Thursday, 16th July 2026
કોયલ મલ્લિકના રાજીનામાથી ભડકેલાં મમતા બેનર્જીની ગર્જના : જેમને જવું હોય તે 21 જુલાઈ પહેલાં પેકઅપ કરી લે
બંગાળમાં ૨૦૨૬ની ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ભયભીત નેતાઓની મોટી ભાગદોડ : કેન્દ્રીય એજન્સીઓના દબાણ સામે ઝૂકેલા બળવાખોરોને મમતાએ આપી પક્ષ છોડી દેવાની ખુલ્લી ચેતવણી

કોલકાતા : પશ્ચિમ બંગાળની ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ માં ભીષણ ભંગાણ સર્જાયું છે. ટીએમસીના લોકપ્રિય સાંસદ અને અભિનેત્રી કોયલ મલ્લિકે શપથ લીધાના ગણતરીના મહિનાઓમાં જ રાજ્યસભા પદેથી રાજીનામું આપી દીધું છે. આ ઘટનાથી લાલચોળ બનેલાં પક્ષ પ્રમુખ મમતા બેનર્જીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે, જે નેતાઓ ભાજપ, સીબીઆઈ કે ઈડીના ડરથી પક્ષ છોડવા માગે છે તેઓ આગામી ૨૧ જુલાઈની શહીદ દિવસની રેલી પહેલાં જ પોતાના પોટલાં-પાતરાં બાંધીને ચાલ્યા જાય.
શપથ ગ્રહણ કર્યા બાદ એક પણ સંસદીય સત્રમાં હાજરી આપ્યા વગર રાજીનામું આપનારા કોયલ મલ્લિકે તાજેતરમાં જ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી, જેનાથી તેઓ ટૂંક સમયમાં ભાજપનો કેસરીયો ધારણ કરે તેવી અટકળો તેજ બની છે. મમતા બેનર્જીએ ખુલાસો કર્યો હતો કે કોયલે તેમને ઇમેઇલ કરીને પરિવાર પર કેન્દ્રીય એજન્સીઓના દબાણની વાત કરી હતી. પોતાની સ્થાપેલી પાર્ટીને કલંકિત ન કરવા કાર્યકરોને અપીલ કરતાં મમતાએ તુરંત જ કોયલ મલ્લિકને પક્ષના તમામ હોદ્દા પરથી હાંકી કાઢ્યા છે.
બીજી તરફ, ટીએમસીમાં હાલ ભત્રીજા અભિષેક બેનર્જીની નેતાગીરી સામે બળવો ફાટી નીકળ્યો છે. પક્ષના અનેક ધારાસભ્યો અને સાંસદો ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળ એક થઈને અભિષેક સામે ખુલ્લો મોરચો માંડી રહ્યા છે. આ આંતરિક યુદ્ધ વચ્ચે પણ મમતા બેનર્જીએ મક્કમતાપૂર્વક અભિષેકનો બચાવ કર્યો છે અને તેને સિંહ ગણાવ્યો છે. મમતાએ પડકાર ફેંકતા કહ્યું કે, મુશ્કેલ સમયમાં તેમની સાથે અડીખમ ઊભેલા વફાદાર કાર્યકરો સોના સમાન છે અને તેઓ ૨૦૨૬ની હાર છતાં ફરીથી પક્ષને મજબૂતીથી બેઠો કરશે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
