News of Monday, 28th September 2026
યુકેમાં યુએસ એરફોર્સ બેઝ પર મોટો આતંકવાદી હુમલો નિષ્ફળ: આરએએફ ફેરફોર્ડ મિલિટ્રી બેઝ બહારથી વિસ્ફોટકો સાથે ૫ શંકાસ્પદોની ધરપકડ!
બ્રિટિશ પોલીસના કાઉન્ટર-ટેરરિઝમ સ્ક્વોડની મોટી સફળતા: ઈરાક અને ઈરાન સામેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર અમેરિકી એરબેઝને નિશાન બનાવવાનું કાવતરું પર્દાફાશ.

લંડન : બ્રિટિશ કાઉન્ટર-ટેરરિઝમ પોલીસે પશ્ચિમ ઇંગ્લેન્ડમાં આવેલ યુએસ એરફોર્સના અત્યંત સંવેદનશીલ મિલિટ્રી બેઝ 'આરએએફ ફેરફોર્ડ' (RAF Fairford) ની બહાર એક મોટા આતંકવાદી હુમલાનું કાવતરું નિષ્ફળ બનાવી દીધું છે. આતંકવાદી હુમલાની યોજના ઘડવા તેમજ ગેરકાયદે વિસ્ફોટકો રાખવાના શંકાના આધારે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. લંડનથી આશરે ૧૬૦ કિલોમીટર પશ્ચિમે આવેલા આ એરબેઝ નજીકથી ત્રણ શંકાસ્પદ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેની હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
આરએએફ ફેરફોર્ડ ૧૯૫૦ના દાયકાના દ્વિપક્ષીય કરાર હેઠળ યુએસ એરફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા બ્રિટનના સૌથી મહત્વપૂર્ણ એરબેઝ પૈકીનું એક છે. આ બેઝ યુએસ એરફોર્સની ૫૦૧મી કોમ્બેટ સપોર્ટ વિંગનું મુખ્યાલય છે અને યુએસ એરફોર્સ ગ્લોબલ સ્ટ્રાઇક કમાન્ડ માટે 'ફોરવર્ડ ઓપરેટિંગ લોકેશન' તરીકે કાર્ય કરે છે. આ એરબેઝનો લાંબો રનવે ભારે બોમ્બર વિમાનોના ટેક-ઓફ માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ગલ્ફ વોર, ૨૦૦૩ના ઇરાક યુદ્ધ અને તાજેતરના ઈરાન વિરુદ્ધના યુએસ-ઇઝરાયલ યુદ્ધમાં પણ થયો હતો.
બ્રિટનના હાઉસ ઓફ કોમન્સ લાઇબ્રેરીના આંકડા મુજબ દેશમાં વિવિધ સ્થળોએ આશરે ૧૧,૦૦૦ જેટલા અમેરિકી સૈનિકો તહેનાત છે. યુએસ સૈન્યની ઉપસ્થિતિ ધરાવતા આટલા મોટા મિલિટ્રી બેઝ પર હુમલાનું ષડયંત્ર ખુલ્લું પડતાં જ સમગ્ર બ્રિટન અને યુએસ એરફોર્સ હાઇ એલર્ટ પર મુકાઈ ગયા છે. આતંકવાદ-વિરોધી અધિકારીઓ આ પાંચેય શંકાસ્પદોના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને હુમલાના પ્લાનિંગ અંગે સઘન પૂછપરછ કરી રહ્યા છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
