News of Monday, 22nd June 2026
મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ: ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા
'ઓપરેશન ટાઇગર' સફળ: લોકસભામાં ઉદ્ધવ સેનાના માત્ર 3 સાંસદો બચ્યા: શિંદે જૂથની સભ્ય સંખ્યા વધીને 13 થઈ

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં એક વાર ફરીથી બહુ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 9 માંથી 6 લોકસભા સાંસદોએ સત્તાવાર રીતે પક્ષ પલટો કરીને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. બળવાખોર સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને અલગ જૂથ તરીકે માન્યતા આપવા માંગ કરી છે. આ જૂથમાં બે-તૃતીયાંશ બહુમતી હોવાથી તેમના પર પક્ષ પલટા વિરોધી કાયદો લાગુ નહીં થાય.
બળવો કરનારા સાંસદોમાં સંજય હરિભાઉ જાધવ (પરભણી), ભાઈસાહેબ રાજારામ વાકચૌરે (શિરડી), ઓમપ્રકાશ ભૂપાલસિંહ નિમ્બાલકર (ધારાશિવ), સંજય દિના પાટીલ (મુંબઈ નોર્થ ઇસ્ટ), સંજય ઉત્તમરાવ દેશમુખ (યવતમાળ-વાશિમ) અને નાગેશ બાપુરાવ પાટીલ અષ્ટિકર (હિંગોલી) નો સમાવેશ થાય છે. આ પક્ષ પલટા બાદ હવે લોકસભામાં ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 3 સાંસદો (અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાજે) જ બચ્યા છે, જ્યારે શિંદે જૂથની તાકાત 7 થી વધીને 13 સાંસદોની થઈ ગઈ છે. બળવાખોર સાંસદોએ પત્રમાં જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી કોંગ્રેસની વિચારધારા તરફ ઝૂકી રહી હોવાથી અને મતવિસ્તારના વિકાસ કાર્યો માટે ભંડોળ ન મળતું હોવાથી તેમણે આ પગલું ભર્યું છે.
આ ભવ્ય રાજકીય ઘટનાક્રમ બાદ એકનાથ શિંદેએ મુંબઈમાં પત્રકાર પરિષદ યોજીને ગર્જના કરી હતી કે "અમે કોઈ પણ ઓપરેશન અડધા મનથી કરતા નથી, આ ‘ઓપરેશન ટાઇગર’ હવે સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે." તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે અમારી સાથે હવે 6 નવા વાઘ જોડાયા છે. જ્યારે અમારી પાસે ત્રણ-ત્રણ સંજય (બળવાખોર સાંસદો) આવી ગયા છે, ત્યારે હવે અમારે બીજા કોઈ 'સંજય' (સંજય રાઉત) વિશે વાત કરવાની કોઈ જરૂર નથી. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓએ આ બળવાખોરો પર કરોડો રૂપિયાના હોર્સ-ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
