<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

દેશભરમાં મોટો રાજકીય ફેરફાર: ઉત્તરાખંડથી કેરળ સુધીના ૬ રાજ્યોના રાજ્યપાલોની બદલી : રાષ્ટ્રપતિ ભવને યાદી કરી જાહેર!

ઓમ પ્રકાશ માથુર સિક્કિમથી કેરળ ખસેડાયા જ્યારે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તમિલનાડુની જવાબદારી: ડૉ. સુધા યાદવ અને દુષ્યંત ગૌતમ સહિતના નવા ચહેરાઓને મળી રાજ્યપાલ તરીકે નિમણૂક!

નવી દિલ્હી:  દેશના રાજકીય વર્તુળોમાં એકાએક મોટી ઉથલપાથલ સર્જાઈ છે, જ્યાં રાષ્ટ્રપતિ ભવને એકસાથે છ રાજ્યોના રાજ્યપાલોની બદલી અને નવા રાજ્યપાલોની નિમણૂકનો નાટકીય આદેશ જારી કર્યો છે. આ ફેરબદલને કારણે ઉત્તરાખંડથી લઈને કેરળ સુધીના રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા અધિકૃત આદેશ મુજબ, સિક્કિમના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂકેલા ઓમ પ્રકાશ માથુરને હવે કેરળના રાજ્યપાલ તરીકે ખસેડવામાં આવ્યા છે, જ્યારે કેરળના વર્તમાન રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તમિલનાડુના રાજ્યપાલ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

આ મોટા ફેરબદલ હેઠળ અન્ય રાજ્યપાલોની નિયુક્તિઓમાં બ્રજમોહન રામને ઓડિશાના રાજ્યપાલ, ડૉ. સુધા યાદવને કર્ણાટકના રાજ્યપાલ, ડૉ. ધલ સિંહ બિસેનને ઉત્તરાખંડના રાજ્યપાલ અને ભાજપના પૂર્વ નેતા દુષ્યંત ગૌતમને સિક્કિમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિર્દેશ અનુસાર આ તમામ નવા નિયુક્ત અને બદલી પામેલા રાજ્યપાલો પોતપોતાના પદનો કાર્યભાર સત્તાવાર રીતે સંભાળશે તે તારીખથી તેમની નિયુક્તિ અમલી બનશે. દેશના અલગ-અલગ રાજ્યોમાં વહીવટી અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ મોટા પગલાથી રાજકીય ગલીઓમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

(10:04 PM IST)