News of Saturday, 16th May 2026
કેનેડામાં ભારતીયો પર હુમલો કરનારી ગેંગ સામે પોલીસની મોટી સ્ટ્રાઈક: અપહરણ અને બંદૂકની અણીએ ખંડણી વસૂલવાના કેસમાં 4 ભારતીય મૂળના યુવકોની ધરપકડ, 5માની શોધખોળ તેજ
એડમોન્ટનથી યુવકનું અપહરણ કરી કેલગરી લઈ જવાયો, બંદૂક બતાવી માર માર્યો; કેનેડામાં સતત વધી રહેલી ગેંગસ્ટર હિંસા વચ્ચે પોલીસે 'ઘાતક હથિયાર' જપ્ત કરી પાંચમા શંકાસ્પદ ગગનદીપનો ફોટો જાહેર કર્યો

ટોરોન્ટો: કેનેડામાં ભારતીય મૂળના ગેંગસ્ટરો અને ખંડણીખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, જેની સામે હવે કેનેડિયન પોલીસે લાલ આંખ કરી છે. અલ્બર્ટા પ્રાંતના કેલગરી શહેરમાંથી પોલીસે એક સનસનાટીભર્યા અપહરણ અને ગેરકાયદેસર વસૂલાત (Extortion) ના કેસમાં ભારતીય મૂળના ૪ શંકાસ્પદ યુવકોની ધરપકડ કરી લીધી છે. કેલગરી પોલીસ સર્વિસ (CPS) ના સંગઠિત ગુનાખોરી નિયંત્રણ વિભાગના જણાવ્યા અનુસાર, આ ટોળકીમાં કુલ ૫ શખ્સો સામેલ હતા, જેમાંથી ૪ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પાંચમા આરોપીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પોલીસના સત્તાવાર નિવેદન મુજબ, આ ઘટના કેનેડામાં દક્ષિણ એશિયન (મુખ્યત્વે પંજાબી અને ભારતીય) સમુદાયના ઉદ્યોગપતિઓ અને અમીર લોકોને નિશાન બનાવીને ચલાવવામાં આવી રહેલી લોહિયાળ ખંડણી શ્રેણીનો જ એક હિસ્સો છે. અગાઉ બ્રેમ્પટન, સરે અને એડમોન્ટન જેવા શહેરોમાંથી પણ આવી ગેંગના સભ્યોની ધરપકડો થઈ ચૂકી છે.
ફિલ્મી સ્ટાઈલમાં અપહરણ અને બંદૂકની અણીએ ટોર્ચર
આ ચકચારી ઘટનાની શરૂઆત ગત ૬ મેના રોજ થઈ હતી. સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યાના સુમારે ચાર સશસ્ત્ર શખ્સોએ એડમોન્ટન શહેરમાં એક ભારતીય યુવકના ઘરમાં ઘૂસીને તેનું અપહરણ કરી લીધું હતું. અપહરણકારોએ પીડિત યુવકને બંદૂકની અણીએ ધમકાવી, ભારે માર માર્યો અને બળજબરીથી વાહનમાં બેસાડીને આશરે ૩૦૦ કિલોમીટર દૂર કેલગરી શહેર લઈ આવ્યા હતા.
અપહરણકારોનો અસલી હેતુ આ પીડિત યુવકના એક ધનવાન મિત્ર પાસેથી મોટી રકમ પડાવવાનો હતો. તેઓ પીડિતને તેના એ જ મિત્રના ઘરની બહાર લઈ ગયા અને દબાણ કર્યું કે તે ફોન કરીને તેના મિત્રને ઘરની બહાર બોલાવે. પરંતુ, પીડિત યુવકે પોતાના મિત્રનો જીવ જોખમમાં મૂકવાની ના પાડતા ગુસ્સે ભરાયેલા શંકાસ્પદોએ તેની પર ફરીથી ઘાતકી હુમલો કર્યો હતો.
પત્ની સાથે ભાગવાનો પ્રયાસ કરતા જ ફાયરિંગની ધમકી
આ દરમિયાન ઘરની બહાર અજાણ્યા વાહનો અને શંકાસ્પદ હિલચાલ જોઈને મુખ્ય ટાર્ગેટ (પીડિતનો મિત્ર) અને તેની પત્નીએ કાર લઈને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઇક અને કાર સવાર બદમાશોએ તેમનો પીછો કર્યો અને બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. પરિણામે દંપતી જીવ બચાવીને ફરી ઘરમાં ભાગી ગયું અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી. પોલીસ સક્રિય થતાં જ અપહરણકારો હોશ ગુમાવી બેઠા હતા. તેમણે પીડિત યુવકને રાતોરાત પાછો એડમોન્ટન લાવીને વહેલી સવારે તેના ઘર નજીક છોડી દીધો હતો. મુક્ત થતાં જ પીડિતે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
કેલગરીના ૪ યુવકો ઝડપાયા, કસ્ટમાઇઝ્ડ બંદૂક જપ્ત
કેલગરી પોલીસે અલગ-અલગ જગ્યાએ ટ્રાફિક સ્ટોપ (નાકાબંધી) કરીને કડક ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં આખરે ૪ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ આ મુજબ છે:
૧. તરણવીર સિંહ (ઉંમર ૨૪ વર્ષ)
૨. દક્ષ ગૌતમ (ઉંમર ૨૫ વર્ષ)
૩. આકાશદીપ સિંહ (ઉંમર ૧૮ વર્ષ)
૪. પરદીપ સિંહ (ઉંમર ૨૪ વર્ષ)
આ ચારેય આરોપીઓ કેલગરીના જ રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી ગેરકાયદેસર રીતે ખાનગીમાં બનાવાયેલું ઘાતક હથિયાર (Privately Manufactured Firearm - PMF) પણ જપ્ત કર્યું છે. હવે પોલીસ આ ટોળકીના પાંચમા ફરાર સભ્ય, ૨૯ વર્ષીય ગગનદીપ સિંહને શોધી રહી છે અને જનતાની મદદ માટે તેનો ફોટો પણ મીડિયામાં જાહેર કર્યો છે. આ સમગ્ર ઓપરેશનમાં કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી પણ નજર રાખી રહી છે જેથી દોષિતોને દેશનિકાલ (Deport) કરી શકાય.
એપ્રિલ ૨૦૨૫ થી અત્યાર સુધી ૪૫ મોટી ઘટનાઓ:
કેનેડિયન એજન્સીઓના ચોંકાવનારા આંકડા મુજબ, એપ્રિલ ૨૦૨૫ થી અત્યાર સુધીમાં માત્ર કેલગરી વિસ્તારમાં જ ખંડણી અને વસૂલાતને લગતી ૪૫ ગંભીર ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. આમાંથી ૧૯ ઘટનાઓ એવી છે જ્યાં વ્યાપારીઓ અને ભારતીયોના ઘરો, દુકાનો કે ગાડીઓ પર સરેઆમ ગોળીબાર કરવામાં આવ્યો હોય. કેનેડામાં વધી રહેલું આ ગન-કલ્ચર અને ભારતીય મૂળના યુવાનોની ગુનાખોરીમાં સંડોવણી ત્યાં વસતા શાંતિપ્રિય પ્રવાસીઓ માટે ચિંતાનો વિષય બની ગઈ છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
