News of Tuesday, 7th July 2026
ફ્રાન્સના રાજકારણમાં મોટો ભૂકંપ: કોર્ટે પ્રતિબંધ હળવો કરતાં જ મરીન લે પેન માટે ૨૦૨૭ ની રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાનો રસ્તો સાફ!
ચૂંટણી લડવાની લીલી ઝંડી મળી પણ પગમાં બંધાશે 'ઇલેક્ટ્રોનિક ટેગ'; કડક નિયમો વચ્ચે પ્રચાર કરવો ફાયરબ્રાન્ડ મહિલા નેતા માટે બનશે અગ્નિપરીક્ષા

પેરિસ : યુરોપિયન દેશ ફ્રાન્સના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ફ્રાન્સના પ્રખર દક્ષિણપંથી (રાઇટ-વિંગ) નેતા મરીન લે પેન (Marine Le Pen) હવે સત્તાવાર રીતે ૨૦૨૭ ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકશે. ફ્રેન્ચ કોર્ટે તેમના પર જાહેર પદ સંભાળવા અંગે લાદવામાં આવેલા પાંચ વર્ષના પ્રતિબંધના સમયગાળાને ટૂંકો કરીને તેમની તરફેણમાં મોટો ચુકાદો આપ્યો છે. આ આદેશથી લે પેનની પાર્ટી 'નેશનલ રેલી' (National Rally) માં જબરદસ્ત ઉત્સાહ વ્યાપી ગયો છે અને ફ્રાન્સની સત્તા કબજે કરવાની તેમની આશાઓને બળ મળ્યું છે.
શું હતો સમગ્ર મામલો અને કોર્ટનો નવો ચુકાદો?
૫૭ વર્ષીય ફાયરબ્રાન્ડ મહિલા નેતા મરીન લે પેન પર યુરોપિયન સંસદના ભંડોળમાંથી આશરે ૧.૪ મિલિયન યુરો ($૧.૬ મિલિયન) ની ઉચાપત કરવાનો ગંભીર આરોપ હતો. માર્ચ ૨૦૨૫ માં નીચલી અદાલતે તેમને દોષિત ઠેરવી પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને જેલની સજા ફટકારી હતી, જેની સામે તેમણે ઊંચી અદાલતમાં અપીલ કરી હતી. હવે અપીલ કોર્ટે મોટો નિર્ણય લેતા ચૂંટણી લડવાનો પ્રતિબંધ એટલો ટૂંકો કરી દીધો છે કે તેઓ આગામી વર્ષની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એન્ટ્રી કરી શકશે. જોકે, કોર્ટે તેમને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે, જેમાંથી બે વર્ષ સસ્પેન્ડ રહેશે અને એક વર્ષ સુધી તેમણે ફરજિયાત 'ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ ટેગ' પહેરીને રહેવું પડશે.
'ઇલેક્ટ્રોનિક ટેગ' પ્રચારમાં બનશે મોટો વિલન
કોર્ટે ચૂંટણી લડવાની ટેકનિકલ મંજૂરી તો આપી દીધી છે, પરંતુ એક વર્ષ સુધી ઇલેક્ટ્રોનિક ટ્રેકિંગ ટેગ પહેરવાના આદેશે મરીન લે પેનની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ કડક મોનિટરિંગના કારણે તેમના દેશવ્યાપી ચૂંટણી પ્રચાર પર ઘણી મર્યાદાઓ આવી જશે. લે પેને આ અંગે નારાજગી વ્યક્ત કરતાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "આવી મર્યાદિત પરિસ્થિતિઓમાં ફૂલ-ટાઇમ પ્રચાર કરવો અશક્ય છે. જો હું સાંજના સમયે રેલીઓમાં મારા મતદારોને રૂબરૂ મળી જ ન શકું, તો ચૂંટણી લડવાનો કોઈ અર્થ રહેતો નથી. આ મને રાષ્ટ્રપતિ બનતી રોકવાનો જ એક નવો કીમિયો છે."
ઓપિનિયન પોલમાં લે પેન સૌથી આગળ
તમામ કાનૂની ગૂંચવણો અને વિવાદો છતાં, ફ્રાન્સમાં ઇમિગ્રેશન (ઘૂસણખોરી) વિરોધી નીતિ ધરાવતી મરીન લે પેનની પાર્ટી 'નેશનલ રેલી' અત્યારે ઓપિનિયન પોલમાં સૌથી આગળ ચાલી રહી છે. ફ્રાન્સના વર્તમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના ઉત્તરાધિકારી બનવાની રેસમાં લે પેન જનતાની પહેલી પસંદ તરીકે ઉભરી આવ્યા છે. અગાઉ તેમણે આ સમગ્ર કાનૂની કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી અને લોકશાહીનું અપમાન ગણાવ્યું હતું. હવે કોર્ટના આ નવા વળાંક બાદ ફ્રાન્સનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
