<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

GST કાયદામાં મોટા ફેરફારના એંધાણ: ટેક્સ અધિકારીઓની સીધી ધરપકડ કરવાની સત્તા છીનવાશે!

​ ​૭ ઓક્ટોબરે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય; વેપારીઓ-ઉદ્યોગકારોને ટેક્સ હેરાનગતિમાંથી રાહત મળવાની શક્યતા

​નવી દિલ્હી: દેશમાં GST સિસ્ટમ લાગુ થયાના લગભગ ૯ વર્ષ બાદ ટેક્સ કાયદામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ફેરફાર જોવા મળી શકે છે. કેન્દ્ર સરકાર GST અધિકારીઓને આપવામાં આવેલી સીધી ધરપકડ કરવાની સત્તાને સમાપ્ત કરવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. આ અંગે આગામી ૭ ઓક્ટોબરના રોજ યોજાનારી GST કાઉન્સિલની મહત્વની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જશે, તો ટેક્સ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી સીધી ધરપકડની જોગવાઈ નાબૂદ થઈ જશે.
​વર્તમાન CGST એક્ટની કલમ ૬૯ હેઠળ ટેક્સ કમિશનરને ગંભીર પ્રકારની ટેક્સ ચોરી, નકલી બિલિંગ (Fake Billing) અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) લેવાના મામલાઓમાં સીધી ધરપકડનો અધિકાર આપેલો છે. જોકે, ભૂતકાળમાં ટેક્સ અધિકારીઓ દ્વારા આ સત્તાના દુરુપયોગ અને વેપારીઓને બિનજરૂરી હેરાન કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.
​આ ફેરફાર લાગુ કરવા માટે સરકારે સંસદના આગામી શિયાળુ સત્રમાં GST કાયદામાં સુધારો (Amendment) રજૂ કરવો પડશે. આ નિર્ણયથી દેશના લાખો વેપારીઓ, કરદાતાઓ અને ઉદ્યોગકારોને મોટી રાહત મળશે તેમજ ટેક્સ સિસ્ટમમાં વધુ પારદર્શિતા અને સરળતા આવશે.

(2:59 PM IST)