News of Saturday, 19th September 2026
જયપુર મેયર ચૂંટણીમાં મહાસંગ્રામ: ભાજપે દિગ્ગજ નેતા અને જાણીતા ઝવેરી સુનિલ કોઠારીને મેયર પદ માટે પર ઉતાર્યો પસંદગીનો કળશ
૧૫૦ વોર્ડના જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદ માટે ભાજપના સુનિલ કોઠારી અને કોંગ્રેસના સુનિતા મેથી વચ્ચે સીધી ટક્કર : ૭૮ બેઠકો સાથે ભાજપ બહુમતીના જાદુઈ આંકડાથી આગળ : ૨૫ સપ્ટેમ્બરે થશે મેયર પદ માટેનું ફાઇનલ કાઉન્ટડાઉન

જયપુર: રાજસ્થાનના સૌથી મોટા રાજકીય અખાડા સમાન જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદ માટેનો ચૂંટણી જંગ હવે રોમાંચક વળાંક પર પહોંચ્યો છે. ભાજપે તમામ અટકળોનો અંત લાવીને વોર્ડ નંબર ૧૧૨ ના નવનિર્વાચિત કાઉન્સિલર અને જયપુરના જાણીતા ઝવેરી સુનિલ કોઠારીને પોતાના મેયર પદના સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. સુનિલ કોઠારી ભાજપ સંગઠનના જૂના જોગી છે અને તેઓ જયપુર શહેર પ્રમુખથી લઈને પ્રદેશ ઉપાધ્યક્ષ જેવી અત્યંત મહત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. પાર્ટીએ આ વખતે પૂર્વ મેયર કુસુમ યાદવની ટિકિટ કાપીને કોઠારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેને સાર્થક કરતા તેમણે કોંગ્રેસના આશિષ શર્માને ૯૦૫ મતોથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. હવે મેયર પદ માટે તેમની સીધી ટક્કર કોંગ્રેસના મહિલા ઉમેદવાર સુનિતા મેથી સાથે થવા જઈ રહી છે.
જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાના આંકડાકીય ગણિત પર નજર કરીએ તો સત્તાનું પલડું સ્પષ્ટપણે ભાજપ તરફ નમેલું જોવા મળી રહ્યું છે. કુલ ૧૫૦ વોર્ડ ધરાવતા આ કોર્પોરેશનમાં મેયરની ખુરશી પર બેસવા માટે ૭૬ કાઉન્સિલરોના જાદુઈ આંકડાની જરૂર પડે છે. તાજેતરના પરિણામો મુજબ ભાજપ પાસે ૭૮ કાઉન્સિલરોનું મજબૂત સંખ્યાબળ છે, જે બહુમતી કરતા બે બેઠકો વધુ છે. બીજી તરફ કોંગ્રેસ પાસે ૫૭ કાઉન્સિલરો છે, જ્યારે ૧૫ અપક્ષો પણ ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસે જો મેયર પદ પર પોતાનો કબ્જો જમાવવો હોય તો તેણે ભાજપની છાવણીમાં મોટું ગાબડું પાડવા ઉપરાંત તમામ અપક્ષોનો સાથ મેળવવો પડશે, જે હાલના રાજકીય સમીકરણો જોતાં કોંગ્રેસ માટે અત્યંત મુશ્કેલ લાગી રહ્યું છે.
આગામી સપ્તાહ આ ચૂંટણી પ્રક્રિયા માટે અત્યંત ધમધમાટ ભર્યું રહેવાનું છે. ૧૯ સપ્ટેમ્બરથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જેની ૨૧ સપ્ટેમ્બરના રોજ ચકાસણી થશે અને ૨૨ સપ્ટેમ્બર સુધી ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચી શકશે. સમગ્ર શહેરની નજર ૨૫ સપ્ટેમ્બર પર ટકેલી છે, જ્યારે સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા દરમિયાન ચૂંટાયેલા કાઉન્સિલરો નવા મેયર પદ માટે મતદાન કરશે અને તે જ દિવસે પરિણામ જાહેર થતાં જયપુરને પોતાના નવા મેયર મળી જશે. આ હાઇવોલ્ટેજ મેયરની ચૂંટણી બાદ તરત જ, એટલે કે ૨૬ સપ્ટેમ્બરે ડેપ્યુટી મેયર પદ માટેની ચૂંટણી યોજાશે, જેના માટે ભાજપે પહેલેથી જ ભવાની સિંહ રાજાવતને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
