News of Thursday, 12th November 2026
મદ્રાસ હાઈકોર્ટનો સવાલ: તમિલનાડુની જાહેર પુસ્તકાલયોમાં વડાપ્રધાન મોદીના 'મન કી બાત' પુસ્તકની ખરીદી કેમ ન થઈ?
પુસ્તક ખરીદી કૌભાંડની સુનાવણી દરમિયાન અદાલતે ભલામણ છતાં પુસ્તક ન ખરીદવા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો, તપાસના આદેશ

ચેન્નઈ : મદ્રાસ હાઈકોર્ટ દ્વારા તમિલનાડુની જાહેર પુસ્તકાલયો માટે પુસ્તકો ખરીદવાની પ્રક્રિયામાં થયેલી અનિયમિતતાઓને લઈને બુધવારે એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'મન કી બાત' પુસ્તકના તમિલ અનુવાદની ખરીદી ન થવા સામે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, અદાલતમાં પુસ્તક ખરીદી કૌભાંડ સંબંધિત અવમાનના અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને જસ્ટિસ એમ.ડી. સુમતિની ખંડપીઠે સવાલ કર્યો હતો કે નિષ્ણાત સમિતિ દ્વારા ભલામણ કરાયેલ 'મનથીન કુરાલ' પુસ્તક ખરીદવામાં કેમ ન આવ્યું.
કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે નિષ્ણાત સમિતિના એક સભ્ય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વડાપ્રધાનના આ પુસ્તકની ભલામણ કરવા છતાં તેને પુસ્તકાલયના સંગ્રહમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું, જ્યારે અન્ય વિવાદાસ્પદ પ્રકાશનોની પસંદગી કરવામાં આવી હતી.
આ કેસ મુખ્યત્વે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી તૈયાર કરાયેલા પુસ્તકો ઊંચા ભાવે ખરીદવાના કથિત કૌભાંડ સાથે જોડાયેલો છે, જેને લઈને અગાઉ પણ અદાલત દ્વારા વિજિલન્સ વિભાગને એફઆઈઆર નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
બુધવારની સુનાવણીમાં તપાસ એજન્સી દ્વારા વિગતવાર એફઆઈઆર દાખલ કરવા માટે ચાર દિવસનો સમય માંગવામાં આવ્યો હતો, અને સંબંધિત વિભાગ દ્વારા પણ સોમવાર સુધીમાં જવાબ રજૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા એક પણ જવાબદાર અધિકારીને છોડવામાં આવશે નહીં અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે આ મામલે આગામી સમયમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
