તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Friday, 18th September 2026
મુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન મોડી રાત્રે ધમાલ: ઢોલ-ધમાકા અને ફટાકડાનો વિરોધ કરનાર યુવક પર જીવલેણ હુમલો, ચાર આરોપી જેલભેગા!
વીડિયો શૂટ કરવાથી ઉશ્કેરાયેલા ટોળાએ યુવકને મોં પર મુક્કા મારી નાક તોડી નાખ્યું, સર્જરી કરાવવાની નોબત આવી: વનરાઇ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ડ્રાઇવર સહિત ૪ ની ધરપકડ કરી

મુંબઈ : ગણેશોત્સવના પાવન પર્વ વચ્ચે મુંબઈના ગોરેગામ વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. ગોરેગામ પૂર્વમાં આવેલા ગોટેવાડી રોડ પર સ્થિત પ્રધાન સોસાયટી બહાર ગણપતિ વિસર્જનના સરઘસ દરમિયાન મોટા અવાજે વાગતા ‘ઢોલ-તાશા’ અને ભારે ફટાકડાનો વિરોધ કરવો ૨૯ વર્ષીય યુવકને ભારે પડી ગયો છે. આ મામલે બોલાચાલી વધતા ઉશ્કેરાયેલા ટોળાએ યુવક પર હુમલો કરીને તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.
મળતી માહિતી મુજબ, પ્રધાન સોસાયટીમાં રહેતા અદ્વૈત અરુણ મડકઇકર (૨૯) નામના યુવકે તેની સોસાયટીના ગેટ પાસે અતિશય ઘોંઘાટ અને ફટાકડા ફોડતા જૂથ સામે વિરોધ નોંધાવ્યો હતો. અદ્વૈતે પોતાના મોબાઈલમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવાનું શરૂ કરતા જ સરઘસમાં સામેલ લોકો ભાન ભૂલ્યા હતા અને ઉશ્કેરાઈને અદ્વૈત સાથે અસભ્ય વર્તન કરવા લાગ્યા હતા. વાતાવરણ વણસતા જૂથમાંથી એક શખ્સે અદ્વૈતના ચહેરા પર સખત મુક્કો મારી દીધો હતો, જ્યારે અન્ય ત્રણ જણે તેને ઘેરીને આડેધડ ઢોરમાર માર્યો હતો.
આ હુમલામાં અદ્વૈતના નાકના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને નાકની અસ્થિ ભંગ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી સર્જરી કરાવવાની નોબત આવી હતી. યુવકે હોસ્પિટલમાંથી જ પોતાની ઈજાઓ દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે જોતજોતામાં વાયરલ થઈ જતાં લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વનરાઇ પોલીસ સ્ટેશને ત્વરિત કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કડક જોગવાઈઓ હેઠળ ગુનો નોંધીને ઘટનામાં સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં ગણેશજીની મૂર્તિ લઈ જઈ રહેલા વાહનના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક પગલાં લીધાં છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
