News of Saturday, 9th May 2026
IPLની ટિકિટોના કાળાબજારનું મોટું નેટવર્ક ઝડપાયું: દિલ્હી પોલીસે ૩ શખ્સોની કરી ધરપકડ, ૨૦ હજારમાં વેચાતા હતા ફ્રી પાસ, આખું કૌભાંડ જાણીને ચોંકી જશો!
દિલ્હી ગેટ પાસે પોલીસે બિછાવી જાળ; ટાટા આઈપીએલની ટિકિટો ડબલ ભાવે વેચતી ગેંગનો પર્દાફાશ, લક્ઝરી લાઈફ જીવવા વિમાનમાં મુસાફરી કરતા હતા આરોપીઓ

નવી દિલ્હી : આઈપીએલ (IPL 2026) ના રોમાંચ વચ્ચે ટિકિટોના કાળાબજાર કરતું એક મોટું રેકેટ દિલ્હી પોલીસે ઝડપી પાડ્યું છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેઓ મફતમાં મળતા કોમ્પ્લીમેન્ટરી પાસ અને રેગ્યુલર ટિકિટોને આસમાની કિંમતે વેચીને લોકોની છેતરપિંડી કરતા હતા.
કેવી રીતે ઝડપાયું રેકેટ?
પોલીસના જણાવ્યા અનુસાર, ૮ મેના રોજ દિલ્હી ગેટ પાસે એક ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપીઓ પોતાની ઓળખ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) ના સત્તાવાર પ્રતિનિધિ તરીકે આપીને નિર્દોષ ચાહકોને ટિકિટો પધરાવતા હતા. પોલીસે આ કાર્યવાહીમાં મુકીમ (૩૫), ગુફરાન ઉર્ફે સાજિદ (૩૬) અને મોહમ્મદ ફૈઝલ (૩૮) નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ચોંકાવનારો ખુલાસો: ૨૦,૦૦૦માં વેચાતા હતા પાસ
આરોપીઓ પાસેથી કુલ ૫૪ આઈપીએલ ટિકિટો મળી આવી છે, જેમાં ૩૩ એવા કોમ્પ્લીમેન્ટરી પાસ હતા જેના પર 'નોટ ફોર સેલ' (Not For Sale) લખેલું હતું. પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેઓ એક પાસ અંદાજે ૨૦,૦૦૦ રૂપિયામાં વેચતા હતા, જ્યારે સામાન્ય ટિકિટો તેની છાપેલી કિંમત કરતા બમણા ભાવે વેચવામાં આવતી હતી. આરોપીઓ પાસેથી ૨૫,૦૦૦ રૂપિયા રોકડા પણ રિકવર કરવામાં આવ્યા છે.
દેશવ્યાપી નેટવર્ક અને ક્રિમિનલ હિસ્ટ્રી
તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ માત્ર દિલ્હી જ નહીં, પરંતુ જ્યાં પણ આઈપીએલ મેચો યોજાતી હોય ત્યાં વિમાન દ્વારા મુસાફરી કરતી હતી અને અલગ-અલગ સ્ત્રોતોમાંથી ટિકિટો મેળવીને કાળાબજાર કરતી હતી. પોલીસને શંકા છે કે આ નેટવર્ક સ્ટેડિયમની અંદર બેસીને ઓનલાઈન સટ્ટો રમનારા સિન્ડિકેટ સાથે પણ જોડાયેલું હોઈ શકે છે. નોંધનીય છે કે આરોપીઓ અગાઉ દિલ્હી, પંજાબ અને હરિયાણામાં છેતરપિંડી, જુગાર અને કાળાબજારના ગુનાઓમાં સંડોવાયેલા છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
