<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

ભાષા વિવાદ પર સુપ્રીમ કોર્ટની તમિલનાડુ સરકારને સખત ફટકાર: "એવું ન ચાલે કે રાજ્યમાં હિન્દી ભણાવવામાં જ ન આવે!"

જવાહર નવોદય વિદ્યાલય માટે દરેક જિલ્લામાં જમીન ફાળવવાનો આદેશ: ત્રણ ભાષા નીતિ સામે રાજ્ય સરકારના વિરોધ પર સર્વોચ્ચ અદાલતે ઉઠાવ્યા સવાલો

નવી દિલ્હી, તા.૧૭: દેશમાં ભાષા અને શિક્ષણ નીતિને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં અત્યંત કડક ટિપ્પણી કરી છે. જવાહર નવોદય વિદ્યાલય (JNV) ખોલવા અંગેની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે તમિલનાડુ સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "તમારે તમારી માનસિકતા બદલવી પડશે; એવું ક્યારેય ન બની શકે કે તમિલનાડુમાં હિન્દી શીખવવામાં જ ન આવે." આ સાથે જ કોર્ટે રાજ્ય સરકારને ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ના પોતાના પૂર્વ આદેશનું પાલન કરીને તમામ જિલ્લાઓમાં નવોદય શાળાઓ માટે જમીન ઓળખીને ફાળવવાનો આદેશ આપ્યો છે.

 

જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી બેન્ચે નવોદય શાળાઓમાં લાગુ કરવામાં આવતી 'ત્રણ ભાષા નીતિ' (Three-Language Formula) સામે તમિલનાડુ સરકારના સતત વિરોધ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. બેન્ચે અવલોકન કર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી આ શૈક્ષણિક સંસ્થાઓને રાજ્યે પોતાની પ્રાદેશિક શિક્ષણ પ્રણાલી માટે ખતરા તરીકે ન જોવી જોઈએ. આ શાળાઓ ગ્રામીણ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવા માટે બનાવવામાં આવી છે.

 

સર્વોચ્ચ અદાલતે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેને આ શાળાઓની સ્થાપના અને ભાષા નીતિ અંગેના પોતાના પરસ્પર મતભેદોને રચનાત્મક વાટાઘાટો દ્વારા વહેલી તકે ઉકેલવા નિર્દેશ આપ્યો છે. કોર્ટના આ કડક વલણથી તમિલનાડુમાં લાંબા સમયથી ચાલી રહેલા દ્વિભાષી નીતિ અને હિન્દી વિરોધી રાજકારણ સામે એક મોટો કાનૂની સંદેશ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે તમિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટના આ નિર્દેશો બાદ નવોદય શાળાઓ માટે જમીન ફાળવવાની પ્રક્રિયા કેટલી ઝડપથી આગળ ધપાવે છે.

 

(5:12 PM IST)