News of Thursday, 30th July 2026
LAC પર ચીનની મોટી ઉશ્કેરણીજનક ચાલ: ભારતીય સરહદ નજીક તૈનાત કર્યા 12 અત્યાધુનિક J-20 સ્ટીલ્થ જેટ, સેટેલાઇટ તસવીરોથી પર્દાફાશ!
લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ નજીક આવેલા હોતન અને દામક્સુંગ એરબેઝ પર પાંચમી પેઢીના ફાઇટર પ્લેન તૈનાત: ભારતીય વાયુસેના એલર્ટ પર

નવી દિલ્હી : વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીને પોતાની લશ્કરી હાજરી વધારીને ફરી એકવાર ગંભીર સરહદી તણાવ વધાર્યો છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરો પરથી સનસનાટીભર્યો ખુલાસો થયો છે કે ચીને ભારતીય સરહદ તરફ આવેલા પોતાના બે અત્યંત મહત્વપૂર્ણ એરબેઝ પર ઓછામાં ઓછા 12 સૌથી અદ્યતન J-20 'માઇટી ડ્રેગન' સ્ટીલ્થ ફાઇટર જેટ તૈનાત કરી દીધા છે. તાજેતરના વર્ષોમાં ભારતીય સરહદ નજીક ચીન દ્વારા કરાયેલું પાંચમી પેઢીના વિમાનોનું આ સૌથી મોટું જમાવડો માનવામાં આવી રહ્યો છે.
સેટેલાઇટ ઇમેજિંગ કંપની 'વેન્ટોર' દ્વારા લેવામાં આવેલી તસવીરો અનુસાર, ચીની વાયુસેના (PLAAF) એ શિનજિયાંગના હોતન એરબેઝ પર 8 અને તિબેટના દામક્સુંગ એરબેઝ પર 4 સ્ટીલ્થ ફાઇટર પ્લેન તૈનાત કર્યા છે. ઉત્તરી લદ્દાખના દૌલત બેગ ઓલ્ડીથી હોતન એરબેઝ માત્ર 245 કિમી દૂર છે, જ્યારે દામક્સુંગ એરબેઝ અરુણાચલ પ્રદેશના તવાંગથી માત્ર 344 કિમી દૂર આવેલું છે. રડારની પકડમાં ન આવે તેવા આ રક્ષણાત્મક સ્ટીલ્થ પ્લેન્સની તૈનાતી માત્ર કામચલાઉ નથી પરંતુ સરહદ પર પોતાની પકડ મજબૂત કરવાની ચીનની કાયમી રણનીતિનો ભાગ છે.
૨૦૨૦ ના ગાલવાન ખીણના સંઘર્ષ પછી ભારત અને ચીન વચ્ચે ડિપ્લોમેટિક વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ ચીન સતત તિબેટ અને શિનજિયાંગ વિસ્તારમાં પોતાનું સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રહ્યું છે. એક તરફ ભારતીય વાયુસેના સ્ક્વોડ્રનની અછત અને LCA Tejas Mk1A ના વિલંબ સામે લડી રહી છે, ત્યારે બીજી તરફ ચીનની આ જંગી લશ્કરી ઘેરાબંધી સામે ભારતીય સુરક્ષા દળોએ પણ પોતાની આક્રમક દેખરેખ અને તૈયારીઓ વધારી દીધી છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
