News of Sunday, 20th September 2026
કર્ણાટકમાં રૂ. ૫ કરોડનું નકલી દવાનું રેકેટ ઝડપાયું: ૧૬ ફાર્મસીના લાઇસન્સ રદ : ૮ સસ્પેન્ડ
બિદાદીના ફાર્મહાઉસમાં સસ્તી દવાઓ મોંઘા લેબલ લગાવી વેચવાનું કૌભાંડ; ગ્રાહકો માટે જાગૃતિની સૂચનાઓ જાહેર

કર્ણાટકમાં ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) વિભાગે એક મોટા નકલી અને ભેળસેળયુક્ત દવા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ બેંગલુરુ, હુબલી અને બેલાગાવી સ્થિત ૧૬ ફાર્મસીઓ તથા જથ્થાબંધ વેપારીઓના લાઇસન્સ કાયમ માટે રદ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૮ પેઢીઓના લાઇસન્સ મોકૂફ (સસ્પેન્ડ) કરી દેવાયા છે.
દ્રગ એન્ફોર્સમેન્ટ ટીમે બેંગલુરુ નજીક આવેલા બિદાદીના કુરુબરકીરનહલ્લી વિસ્તારના એક ફાર્મહાઉસ પર દરોડો પાડીને અંદાજે રૂ. ૫.૦૫ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર, અન્ય રાજ્યોમાંથી સસ્તા ભાવે દવાઓ ખરીદીને આ ફાર્મહાઉસમાં નવી શીશીઓમાં રી-પેક કરવામાં આવતી હતી. બાદમાં તેના પર ફાઇઝર જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની જાણીતી કંપનીઓના બોગસ લેબલ અને સીલ લગાવીને મોંઘી, જીવનરક્ષક દવાઓ તરીકે ઊંચા ભાવે વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું.
દરોડા દરમિયાન અધિકારીઓને સ્થળ પરથી CEFIAVIGENT 2.5 ઇન્જેક્શનની ૫,૬૪૦ શીશીઓ, HIZLAM ઇન્જેક્શનની ૧,૫૩૧ શીશીઓ અને ફાઇઝરનું લેબલ ધરાવતી EMBLAVEO ની ૨૬૪ શીશીઓ મળી આવી હતી. આ ઉપરાંત, એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હોય તેવી ૩૦ કેન દવાઓ, ઇન્જેક્શન ફિલિંગ મશીનો, બોગસ લેબલ અને સીલ પણ કબ્જે કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા નકલી લેબલ પર આપેલા QR અને ટેસ્ટ કોડ પણ સ્કેન થતા ન હતા. દવાનો આ જથ્થો આગળ વેચાતો અટકાવવા માટે FDA એ પોર્ટલ પર સંબંધિત બેચ નંબરો બ્લોક કરી દીધા છે અને રાસાયણિક પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
કારવાઈ હેઠળ બેંગલુરુની એવેસ્કો હેલ્થકેર, બેંગ્લોર સ્પેશિયાલિટી ફાર્મા, પટેલ મેડી ટ્રેડ, રાજરાજેશ્વરી ફાર્મા, NS ફાર્મા, કૃપા હેલ્થકેર, સાગર ફાર્મા સહિતની ૧૬ ફાર્મસીના લાઇસન્સ રદ કરાયા છે. જ્યારે મેડ ફાર્મા, મારુતિ મેડિકલ્સ, વિવા ફાર્મા અને નેલમંગલા સ્થિત ફાઇઝરના C&F ડેપો સહિત ૮ એકમોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
