<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ભારતમાં યુરોપિયન યુનિયનના નવા રાજદૂત તરીકે જીન-એરિક પેક્વેટે પદભાર સંભાળ્યો: રાષ્ટ્રપતિ મુર્મુને ક્રેડેન્શિયલ્સ સુપરત કરી વેપાર, સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી પર મૂક્યો ભાર!

મુક્ત વેપાર કરાર (FTA) અને તકનીકી સહયોગથી ભારત-EU સંબંધો નવા શિખરે પહોંચશે; ૩ વર્ષમાં ભારતના તમામ ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોનો પ્રવાસ કરવાની પેક્વેટે દર્શાવી ઉત્સુકતા

નવી દિલ્હી, તા.૨૫: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના રાજદ્વારી અને વ્યાપારી સંબંધો વધુ મજબૂત થવા જઈ રહ્યા છે. જીન-એરિક પેક્વેટે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને પોતાના સત્તાવાર ઓળખપત્રો (credentials) સુપરત કરીને ભારતમાં EU ના નવા રાજદૂત તરીકેનો કાર્યભાર વિધિવત રીતે સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેમણે ભારત અને EU વચ્ચે વેપાર, સંરક્ષણ, સુરક્ષા અને સંશોધન ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

 

રાષ્ટ્રપતિને ક્રેડેન્શિયલ્સ સુપરત કર્યા બાદ રાજદૂત પેક્વેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારત અને યુરોપ વચ્ચે અત્યારે વેપાર, સુરક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અસાધારણ ગતિશીલતા જોવા મળી રહી છે. આવા ઉત્સાહજનક સમયે ભારતમાં EU નું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું કે ભારત અને યુરોપે રાજકીય તથા આર્થિક રીતે એકબીજા સાથે મજબૂત રીતે જોડાવાનો સકારાત્મક નિર્ણય લીધો છે, જે વૈશ્વિક સ્તરે મોટો તફાવત સર્જશે.

 

મુક્ત વેપાર કરાર (FTA) અને નવી તકો પર ધ્યાન કેન્દ્રિત

 

પોતાના કાર્યકાળના મુખ્ય લક્ષ્યો અંગે વાત કરતા નવા રાજદૂતે જણાવ્યું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-EU મુક્ત વેપાર કરાર (Free Trade Agreement) દ્વારા ઊભી થનારી આર્થિક તકોનો મહત્તમ લાભ બંને પ્રદેશોને પહોંચાડવાનો છે. આ ઉપરાંત 'યુરોપિયન લીગલ ગેટવે' જેવા પ્લેટફોર્મ દ્વારા બંને પ્રદેશો વચ્ચે લોકોની અવરજવર અને ગતિશીલતા (mobility) વધુ આસાન બને તે દિશામાં પણ કામ કરવામાં આવશે.

 

નોંધનીય છે કે, EU એ ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને તાજેતરમાં જ પૂર્ણ થયેલી FTA વાટાઘાટોથી બંને અર્થવ્યવસ્થાઓને વિશાળ આર્થિક લાભ થવાની ધારણા છે.

 

ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને પ્રવાસની યોજના

 

ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિના વખાણ કરતા રાજદૂત પેક્વેટે જણાવ્યું હતું કે, "ભારત એક દેશ હોવા સાથે એક આખા ઉપખંડ જેટલી વિશાળતા અને ઊર્જા ધરાવે છે. આગામી ત્રણ વર્ષ દરમિયાન હું ભારતના તમામ ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લઈશ." તેમણે પોતાના પ્રવાસની શરૂઆત પવિત્ર શહેર અમૃતસર અને રાજસ્થાનના જેસલમેરથી કરી ચૂકી હોવાનું પણ ઉમેર્યું હતું.

(5:41 PM IST)